Donald Trump 2028 Election: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2028ની આગામી પ્રમુખપદની ચૂંટણીમાં ત્રીજી મુદત માટે દાવેદારી નોંધાવવા અંગે ચાલી રહેલી અટકળો પર મોટું નિવેદન આપ્યું છે. મેરીલેન્ડ સ્થિત 'જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ' ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે તેઓ ફરી ચૂંટણી લડવાનું ચોક્કસપણે પસંદ કરશે, પરંતુ યુએસ બંધારણના કડક નિયમો અને કાનૂની મર્યાદાઓ તેમને આમ કરતા રોકે છે.
"દરેક વ્યક્તિ પૂછે છે, પણ કાયદો ખૂબ મજબૂત છે"
પોતાના વર્તમાન કાર્યકાળ પછી ફરી ચૂંટણી લડવાના પ્રશ્નનો ઉત્તર આપતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, "દરેક વ્યક્તિ મને આ જ સવાલ પૂછી રહી છે. તમે જાણો છો કે આ બાબતે દેશનો કાયદો ખૂબ જ કડક છે. હું ચૂંટણી લડવા માંગુ છું, પરંતુ બંધારણીય મર્યાદાઓ ખૂબ સ્પષ્ટ છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમના સમર્થકો અને રેલીઓમાં હાજર જનમેદની સતત '2028!' ના નારા લગાવીને તેમને ફરીથી મેદાનમાં ઉતરવા માટે વિનંતી કરે છે, છતાં તેઓ બંધારણીય મર્યાદાઓનું પાલન કરવા બંધાયેલા છે.
શું કહે છે યુએસ બંધારણનો 22મો સુધારો?
ટ્રમ્પનું આ નિવેદન 2028ની ચૂંટણી ઝુંબેશની સત્તાવાર જાહેરાત નથી, પરંતુ હાલના બંધારણીય પ્રતિબંધોની સીધી સ્વીકૃતિ છે. આ મર્યાદા યુએસ બંધારણના 22મા સુધારામાંથી આવે છે, જે સ્પષ્ટપણે જણાવે છે કે, "કોઈપણ વ્યક્તિ બે વારથી વધુ વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ શકશે નહીં." 1947માં અમેરિકી કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા અને ફેબ્રુઆરી 1951માં સ્વીકારવામાં આવેલા આ કાયદાએ પ્રમુખપદ માટે મહત્તમ બે કાર્યકાળની મર્યાદા નક્કી કરી છે. 2016 અને 2024ની ચૂંટણી જીતી ચૂકેલા ટ્રમ્પ માટે આ કાયદાકીય જોગવાઈ ત્રીજી વાર પ્રમુખ બનવાના માર્ગમાં બંધારણીય અડચણ ઊભી કરે છે.
