Syria New Currency: સીરિયાએ અસદ શાસનકાળની નોટોને બદલવા માટે એક નવું ચલણ જારી કરવાનું શરૂ કર્યું છે, જેને દેશના અર્થતંત્રમાં પ્રતીકાત્મક અને વ્યવહારુ પરિવર્તન તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે.
દમાસ્કસમાં એક સમારોહમાં કાર્યકારી રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારા અને સેન્ટ્રલ બેંકના ગવર્નર અબ્દુલકાદર હુસરીહે નવી નોટોનું અનાવરણ કર્યું. તે 1 જાન્યુઆરી, 2026ના રોજ ચલણમાં આવી છે. વર્ષ 2024માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદની હકાલપટ્ટી પછી હાથ ધરવામાં આવેલા એક મોટા નાણાકીય સુધારાનો આ એક ભાગ છે.
ગુલાબ, ઘઉં અને નારંગી જેવા પ્રકૃતિના પ્રતીકો
રાષ્ટ્રપતિ શારાએ નવી નોટ ડિઝાઇનને ભૂતકાળની વિદાય ગણાવી અને કહ્યું કે તે એક નવી રાષ્ટ્રીય ઓળખને પ્રતિબિંબિત કરે છે. આ નોટોમાં હવે કૃષિ અને પ્રકૃતિ સાથે સંકળાયેલા પ્રતીકો, જેમ કે ગુલાબ, ઘઉં, ઓલિવ, નારંગી અને શેતૂર, અગાઉની નોટો પર દેખાતી અસદ પરિવારની છબીઓને બદલે છે.
બીજા કયા ફેરફારો કરવામાં આવ્યા?
એક મોટા ફેરફારમાં ચલણનું પુનઃનામકરણ સામેલ છે, જેમાં બે શૂન્ય દૂર કરવામાં આવ્યા છે - એટલે કે 100 જૂના સીરિયન પાઉન્ડ હવે એક નવા પાઉન્ડ સમાન હશે. સેન્ટ્રલ બેંકે 90- દિવસનો ટ્રાંઝિશન પીરિયડ નક્કી કર્યો છે જે દરમિયાન જૂની અને નવી બંને નોટોનો ઉપયોગ કરી શકાય છે, જે જો જરૂરી હોય તો લંબાવી શકાય છે.
જોકે શૂન્ય દૂર કરવાથી અને ડિઝાઇન બદલવાથી વ્યવહારો સરળ બનશે, પરંતુ અધિકારીઓએ સ્વીકાર્યું કે ફક્ત આ ફેરફારોથી અર્થતંત્રમાં સુધારો થશે નહીં. શારાએ ભાર મૂક્યો કે લાંબા ગાળાની પુનઃપ્રાપ્તિ ઉત્પાદન વધારવા, બેરોજગારી ઘટાડવા અને બેંકિંગ ક્ષેત્રને મજબૂત બનાવવા પર આધારિત છે.
