Crude Oil Prices: હોરમુઝની સામુદ્રધુનીમાં હુમલા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં 3% નો ઉછાળો: બ્રેન્ટ ક્રૂડ $107 પ્રતિ બેરલને પાર

સાઉદી સરકારી મીડિયાના અહેવાલો મુજબ, હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના દક્ષિણ પ્રાંત 'જાઝાન' પર હુમલો કર્યો હતો, જેનાથી મસ્જિદ અને ઘરોને નુકસાન પહોંચ્યું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 14 Sep 2026 08:00 AM (IST)Updated: Mon, 14 Sep 2026 08:00 AM (IST)
crude-oil-prices-surge-strait-of-hormuz-attack-saudi-pipeline-shut
ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો

Crude Oil Prices Surge: હોરમુઝની સામુદ્રધુની (Strait of Hormuz) અને ગલ્ફ વિસ્તારમાં વ્યાપારી જહાજો પર તાજેતરમાં થયેલા હુમલાઓને પગલે વૈશ્વિક તેલ પુરવઠામાં મોટા વિક્ષેપની આશંકા ઊભી થઈ છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 3% ના વધારા સાથે $107.74 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે, જ્યારે યુએસ ક્રૂડ ફ્યુચર્સ 2.88% વધીને $102.93 પ્રતિ બેરલ નોંધાયું છે.

હુથી બળવાખોરોનો હુમલો અને જહાજમાં આગ

સાઉદી સરકારી મીડિયાના અહેવાલો મુજબ, હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના દક્ષિણ પ્રાંત 'જાઝાન' પર હુમલો કર્યો હતો, જેનાથી મસ્જિદ અને ઘરોને નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત તેમણે નજીકના સાઉદી લશ્કરી મથકને પણ નિશાન બનાવ્યું હતું. બીજી તરફ, બ્રિટિશ દરિયાઈ સુરક્ષા એજન્સી UKMTO એ માહિતી આપી છે કે હોરમુઝની સામુદ્રધુનીમાં એક વ્યાપારી જહાજ પર પ્રોજેક્ટાઇલ વડે હુમલો કરાતાં તેમાં ભીષણ આગ લાગી હતી, ત્યારબાદ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સાઉદીની પાઇપલાઇન ઠપ્પ, વૈશ્વિક સપ્લાય પર સંકટ

ઈરાક તરફથી થયેલા ડ્રોન હુમલા બાદ સાઉદી અરેબિયાએ પોતાની મહત્વપૂર્ણ 'ઈસ્ટ-વેસ્ટ' ઓઇલ પાઇપલાઇન બંધ કરી દેવી પડી છે. આ પાઇપલાઇન સાઉદી માટે હોરમુઝની સામુદ્રધુની પર નિર્ભર રહ્યા વિના તેલ નિકાસ કરવાનો મુખ્ય વૈકલ્પિક માર્ગ હતી.

વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકારની આ પાઇપલાઇન બંધ થવાથી વૈશ્વિક તેલ પુરવઠાના આશરે 4% હિસ્સા પર સીધું જોખમ ઊભું થયું છે. ગયા અઠવાડિયે ક્રૂડ ઓઇલના ભાવમાં 8% નો વધારો થયો હતો, જે જુલાઈ પછી પહેલીવાર $100 ની સપાટી વટાવી ગયો છે.

દરમિયાન, ઓમાનના વિદેશ મંત્રી બદ્ર અલબુસૈદીએ 'X' (ટ્વિટર) પર માહિતી આપી છે કે ગલ્ફ દેશો અને ઈરાન વચ્ચે હોરમુઝની સ્થિતિ અંગે ઓમાનમાં યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠક હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.