Osama Bin Laden India Attack Plan: અમેરિકી ગુપ્તચર સંસ્થા CIA દ્વારા 9/11ના આતંકવાદી હુમલાની 25મી વર્ષગાંઠ નિમિત્તે જાહેર કરાયેલા 70થી વધુ અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત દસ્તાવેજોએ વૈશ્વિક સુરક્ષા ઈતિહાસમાં નવો ખળભળાટ મચાવી દીધો છે. આ દસ્તાવેજો પરથી સસંસનીખેજ ખુલાસો થયો છે કે, અમેરિકા પર ન્યૂ યોર્ક ખાતે ભયાનક આતંકવાદી હુમલો કરતા પહેલાં અલ્-કાયદાનો આકા ઓસામા બિન લાદેન ભારત પર મોટા પાયે આતંકવાદી હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો.
28 ઓગસ્ટ, 1998 નો ગુપ્તચર મેમો
સાર્વજનિક કરવામાં આવેલા દસ્તાવેજોમાં 28 ઓગસ્ટ, 1998નો એક ખાસ મેમો શામેલ છે, જેનું શીર્ષક "બિન લાદેનનું આતંકવાદી નેટવર્ક ખતરો બની રહ્યું છે" હતું. આ મેમો અનુસાર, બિન લાદેન ભારત ઉપરાંત પાકિસ્તાન, ઇજિપ્ત, સાઉદી અરેબિયા, કુવૈત, યમન, યુગાન્ડા અને નાઇજીરીયા જેવા દેશોમાં મોટા આતંકવાદી હુમલા કરવાની ફિરાકમાં હતો. જોકે, આ દસ્તાવેજમાં ભારત સંબંધિત કોઈ ચોક્કસ ટાર્ગેટ કે નક્કી કરાયેલી તારીખનો સ્પષ્ટ ઉલ્લેખ નથી.
અમેરિકી રાષ્ટ્રપતિઓને અપાઈ હતી ચેતવણીઓ
દસ્તાવેજો દર્શાવે છે કે 1998થી 2001 દરમિયાન CIAએ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને જ્યોર્જ ડબલ્યુ. બુશ બંનેને અલ્-કાયદાના વધતા જતાં ખતરા અંગે વારંવાર એલર્ટ કર્યા હતા. ચેતવણી આપવામાં આવી હતી કે બિન લાદેનનું નેટવર્ક વિશ્વના લગભગ 60થી વધુ દેશોમાં હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે અને અમેરિકા તથા બ્રિટન તેના મુખ્ય નિશાન પર હતા.
11 સપ્ટેમ્બર, 2001નો કાળો દિવસ
આ ચેતવણીઓ વચ્ચે 11 સપ્ટેમ્બર, 2001ના રોજ 19 અલ-કાયદા આતંકવાદીઓએ 4 કોમર્શિયલ વિમાનોનું અપહરણ કર્યું હતું. જેમાં બે વિમાનો ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે અથડાવ્યા હતા, જેનાથી બંને ટાવર સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા હતા. ત્રીજું વિમાન વર્જિનિયા સ્થિત પેન્ટાગોન પર ત્રાટક્યું હતું, જ્યારે ચોથું વિમાન મુસાફરોના વિરોધને કારણે પેન્સિલવેનિયાના ખેતરમાં ક્રેશ થયું હતું. સીઆઈએનું કહેવું છે કે આ દસ્તાવેજો જનતા સમક્ષ સંપૂર્ણ પારદર્શિતા લાવવાના હેતુથી સાર્વજનિક કરવામાં આવ્યા છે.
