Xi Jinping India Visit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મનોહર આમંત્રણ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરના રોજ ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. 18મી બ્રિક્સ (BRICS) શિખર સમિટમાં ભાગ લેવા માટે આવી રહેલા રાષ્ટ્રપતિ જિનપિંગની સાત વર્ષ બાદ આ પ્રથમ ભારત મુલાકાત છે. ચીન સરકારે ગુરુવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. મુલાકાત દરમિયાન શનિવારે સાંજે પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે હાઈ-પ્રોફાઈલ દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશા આપવા અંગે ચર્ચા થશે.
ચીને અગાઉથી કરી હતી જાણ
જોકે અગાઉ જિનપિંગની મુલાકાત અંગે અનિશ્ચિતતા અને અટકળો ચાલી રહી હતી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર બેઇજિંગે અઠવાડિયા અગાઉ જ ભારતને આ અંગે જાણ કરી દીધી હતી. ચીને 27 ઓગસ્ટના રોજ બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસમાં રાષ્ટ્રપતિના પ્રતિનિધિ મંડળ માટે વિઝાની વિનંતી કરી દીધી હતી. જિનપિંગ સાથે 67 સભ્યોનું ઉચ્ચસ્તરીય સત્તાવાર પ્રતિનિધિ મંડળ પણ ભારત આવી રહ્યું છે, જેમાં કમ્યુનિસ્ટ પાર્ટીના અગ્રણી નેતા કાઈ કી અને વિદેશ મંત્રી વાંગ યી સહિતના દિગ્ગજો સામેલ છે.
ભારત મંડપમ ખાતે થશે ભવ્ય સ્વાગત કરાશે
રાષ્ટ્રપતિ શી જિનપિંગની આ ભારત મુલાકાત બરાબર 24 કલાકની રહેશે. તેઓ શનિવારે બપોરે 12:10 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરશે અને બપોરે 2 વાગ્યાની આસપાસ ભારત મંડપમ પહોંચશે, જ્યાં પીએમ મોદી તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ બંને નેતાઓ દ્વિપક્ષીય બેઠક અને બ્રિક્સના બંધ-બારણે યોજાનારા સત્રમાં ભાગ લેશે. શનિવારે સાંજે પીએમ મોદી દ્વારા આયોજિત ખાસ રાત્રિભોજનમાં પણ તેઓ હાજરી આપશે અને રવિવારે બપોરે 12:20 વાગ્યે સ્વદેશ રવાના થશે.
સંબંધો સુધારવા અને વેપાર સંતુલન પર રહેશે નજર
2024માં કઝાન ખાતે યોજાયેલી બ્રિક્સ સમિટ બાદ ભારત અને ચીનના સંબંધોમાં સુધારો જોવા મળ્યો હતો, જેણે પૂર્વી લદ્દાખ સરહદ વિવાદ હળવો કરવામાં મદદ કરી હતી. આ બેઠક દરમિયાન પીએમ મોદી ભારત-ચીન વેપાર સંતુલન, ભારતીય ઉત્પાદનો માટે ચીની બજારમાં સમાન પ્રવેશ અને ગ્લોબલ સપ્લાય ચેઇનની વિશ્વસનીયતા જેવા આર્થિક મુદ્દાઓ ભારપૂર્વક ઉઠાવે તેવી પ્રબળ શક્યતા છે.
