Bodyguard Robot H2-X: ચીનની પ્રખ્યાત રોબોટિક્સ કંપની 'યૂનિટ્રી રોબોટિક્સ' (Unitree Robotics) એ 'H2-X' નામનો એક નવો હ્યૂમનોઇડ રોબોટ રજૂ કર્યો છે, જે સુરક્ષા અને આપાતકાલીન બચાવ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. કંપનીએ આ રોબોટ મોડેલને 'કુંગ ફુ લિજેન્ડ ગાર્ડિયન' નામ આપ્યું છે.
આ રોબોટનો પ્રમોશનલ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તે કાર પર છલાંગ લગાવવાથી લઈને ચાકુ વડે હુમલો કરવા આવતા શખ્સથી રક્ષણ કરતો અને તેને કાબૂમાં લેતો જોવા મળે છે. આ ઉપરાંત, રસ્તા પર થતા અકસ્માત દરમિયાન કોઈ વ્યક્તિ વાહનની નીચે ફસાઈ જાય, તો પોતાની ક્ષમતાનો ઉપયોગ કરીને તેને સુરક્ષિત બહાર કાઢવામાં પણ આ રોબોટ સક્ષમ છે.
આપાતકાલીન સ્થિતિમાં જીવન બચાવવાની ક્ષમતાનું પ્રદર્શન કરતા વિડીયોના અંતમાં રોબોટે એક કારની નીચે ફસાયેલી વ્યક્તિને જોઈને દોડીને કારને પાછળથી હવામાં ઊંચકી લીધી હતી. આ દરમિયાન ત્યાં હાજર અન્ય વ્યક્તિએ કાર નીચે ફસાયેલા પૂતળાને બચાવી લીધું હતું, જે દર્શાવે છે કે અકસ્માત સમયે રોબોટ કાર ઊંચકીને લોકોનો જીવ બચાવી શકે છે.
આ સિવાય, પૂરપાટ ઝડપે આવતી કારની ઝપેટમાં આવતા પદયાત્રીને પણ રોબોટ સુરક્ષિત રીતે બચાવી લે છે. આ રોબોટ ખાસ કરીને વ્યક્તિગત સુરક્ષા, બોડીગાર્ડ તરીકેની કામગીરી અને ઈમરજન્સી રેસ્ક્યૂ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવ્યો છે. વીડિયોમાં આ રોબોટ અનેક પ્રકારના અદભુત સ્ટંટ અને હવામાં ગુલાટીમારતો પણ જોવા મળે છે, તેમજ કન્ટેનરની છત પરથી કૂદીને સીધો ઉભો રહી જાય છે.
શારીરિક બાંધાની વાત કરીએ તો, આ રોબોટની ઉંચાઈ આશરે 1.82 મીટર અને વજન 70 કિલોગ્રામ છે. કંપની દ્વારા હાલમાં આ રોબોટની કિંમત કે તેને બજારમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
