US Sanctions On China: ચીને ઈરાનના ક્રુડ ઓઈલને લઈ અમેરિકાએ લગાવેલા પ્રતિબંધોને નકારી કાઢ્યાં, આકરા જવાબ સાથે આ આદેશ આપ્યાં

ચીન સરકારે કહ્યું છે કે તે એક તરફી પ્રતિબંધોને માન્યતા આપશે નહીં. આ સાથે ચીને અમેરિકાના આ પગલાને રાષ્ટ્ર સંપ્રભૂતા તથા સુરક્ષાની વિરુદ્ધ ગણાવેલ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 03 May 2026 05:59 PM (IST)Updated: Sun, 03 May 2026 05:59 PM (IST)
china-rejects-us-sanctions-on-refineries-on-iran-oil

US Sanctions On China: ચીન અને અમેરિકા વચ્ચે વ્યાપારીક અને રાજદ્વારી સ્તરે ફરી વખત તણાવની સ્થિતિ વધવા લાગી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે ઈરાનમાંથી ક્રુડ ઓઈલ ખરીદવાના આરોપ સાથે પોતાની પાંચ રિફાઈનરી પર લગાવવામાં આવેલા અમેરિકી પ્રતિબંધોને ગેરકાયદેસર ગણાવી તેની સામે પ્રોહિબિશન ઈશ્યુ કર્યું છે.

ચીન સરકારે કહ્યું છે કે તે એક તરફી પ્રતિબંધોને માન્યતા આપશે નહીં. આ સાથે ચીને અમેરિકાના આ પગલાને રાષ્ટ્ર સંપ્રભૂતા તથા સુરક્ષાની વિરુદ્ધ ગણાવેલ છે.

હકીકતમાં આ પગલું વિશેષ કરીને હેંગલી પેટ્રોકેમિકલ તથા ચાર અન્ય સ્વતંત્ર ટીપોટ રિફાઈનરીઓને અમેરિકાની નાણાકીય વ્યવસ્થાથી બહાર કરવાના જવાબમાં ભરવામાં આવ્યું છે. ચીન સ્પષ્ટપણે કહ્યું છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય વ્યાપાર નિયમોનું ઉલ્લંઘન કરે છે.

ચીનના કોમર્સ મંત્રાલયનું કહેવું છે કે તેમણે એક પ્રતિબંધ આદેશ જારી કર્યો છે, જેમાં એવું નિર્ધારિત કરવામાં આવ્યું છે કે પ્રતિબંધોને માન્યતા આપવામાં આવશે નહીં. લાગૂ કરવામાં આવશે નહીં અથવા તો તેનું પાલન કરવામાં આવશે નહીં. ચીનના આ આદેશને રાષ્ટ્રીય સંપ્રભૂતા, સુરક્ષા તથા વિકાસ હિતોનું રક્ષણ કરવા માટે ભરવામાં આવેલા પગલાં ગણાવ્યા છે.

ચીન મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ચીન સરકારે સંયુક્ત રાષ્ટ્રની મંજૂરી અને આંતરરાષ્ટ્રીય કાયદામાં આધાર વગર એક તરફી પ્રતિબંધોનો સતત વિરોધ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશે હેંગલી પેટ્રોકેમિકલ (ડાલિયાન) રિફાઈનરી અને ચાર અન્ય ટીપોટ રિફાઈનરીઓ-શેડોંગ જિનચેંગ પેટ્રોકેમિકલ ગ્રુપ, હેબેઈ શિન્હાઈ કેમિકલ ગ્રુપ, શૈગુઆંગ લુકિંગ પેટ્રોકેમિકલ તથા શેડોંગ શેંગક્સિંગ કેમિકલ સામે અમેરિકાના પ્રતિબંધોને અટકાવી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 24 એપ્રિલના રોજ અમેરિકાના નાણાં વિભાગે પ્રતિબંધોની જાહેરાત કરતાં હેંગલીને ઈરાનના સૌથી મૂલ્યવાન ગ્રાહકો પૈકી એક ઘણાવ્યા હતા અને ક્રુડ ઓઈલની ખરીદીના માધ્યમથી ઈરાનની સેના માટે સેંકડો મિલિયન ડોલરની આવક સર્જન કરી હતી.