Israel Lebanon Ceasefire: ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ વધુ 3 અઠવાડિયા સુધી લંબાયું; રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત

નોંધનીય છે કે 1948માં ઇઝરાયલની સ્થાપના થઈ ત્યારથી ઇઝરાયલ અને લેબનોન સત્તાવાર રીતે 'યુદ્ધની સ્થિતિ'માં રહ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 24 Apr 2026 09:50 AM (IST)Updated: Fri, 24 Apr 2026 09:50 AM (IST)
ceasefire-between-israel-and-hezbollah-extended-for-3-weeks-donald-trump-makes-the-announcement

Israel Lebanon Ceasefire: પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ઇઝરાયલ અને હિઝબુલ્લાહ જૂથ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં યુદ્ધવિરામને વધુ 21 દિવસ માટે લંબાવવા પર સર્વસંમતિ સધાઈ છે. આ જાહેરાત માત્ર યુદ્ધ રોકવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દાયકાઓ બાદ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે શરૂ થયેલી સીધી રાજદ્વારી વાટાઘાટોનું અત્યંત મહત્વનું પરિણામ માનવામાં આવે છે.

વ્હાઇટ હાઉસમાં ઐતિહાસિક બેઠક યોજાઇ

ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે ઇઝરાયલ અને લેબનોનના રાજદૂતો વચ્ચે નિર્ણાયક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, "બંને પક્ષો શાંતિની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. આ યુદ્ધવિરામ આગામી વાટાઘાટો માટે પાયો તૈયાર કરશે." ટ્રમ્પે એમ પણ સ્વીકાર્યું હતું કે, કાયમી ઉકેલ માટે તેમણે હિઝબુલ્લાહ જૂથની ભૂમિકા અને પ્રભાવ પર પણ ગંભીરતાથી વિચાર કરવો પડશે. આગામી વ્યૂહરચનાના ભાગરૂપે, ટ્રમ્પ ટૂંક સમયમાં વોશિંગ્ટનમાં ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન સાથે ત્રિપક્ષીય મુલાકાત કરશે તેવી અપેક્ષા છે.

દાયકાઓ જૂની દુશ્મનાવટમાં નવો વળાંક આવ્યો

નોંધનીય છે કે 1948માં ઇઝરાયલની સ્થાપના થઈ ત્યારથી ઇઝરાયલ અને લેબનોન સત્તાવાર રીતે 'યુદ્ધની સ્થિતિ'માં રહ્યા છે. છેલ્લા 20 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે બંને દેશોના પ્રતિનિધિઓ કોઈ પણ મધ્યસ્થી વગર સીધી ટેબલ ટોક કરી રહ્યા છે. ગયા શુક્રવારે થયેલો પ્રારંભિક 10 દિવસનો યુદ્ધવિરામ સોમવારે પૂર્ણ થવાનો હતો, જે હવે 21 દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે. લેબનોનના રાજદૂત નાદા હમાદેહ મુઆવાદે આ પહેલ બદલ ટ્રમ્પનો આભાર માન્યો હતો. ટ્રમ્પના પ્રખ્યાત સૂત્ર 'મેક અમેરિકા ગ્રેટ અગેન'ની તર્જ પર તેમણે કહ્યું, "તમારી સહાયથી આપણે લેબનોનને ફરીથી મહાન (મેક લેબનોન ગ્રેટ અગેન) બનાવી શકીએ છીએ."

લેબનોનની માંગણીઓ વિશે જાણો

લેબનોનના રાષ્ટ્રપતિ આઉને સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યની વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ્ય નીચે મુજબના મુદ્દાઓ પર રહેશે:

  • ઇઝરાયલી હુમલાઓનો કાયમી અંત.
  • લેબનોનની ધરતી પરથી ઇઝરાયલી સૈનિકોની સંપૂર્ણ વાપસી.
  • ઇઝરાયલી જેલમાં રહેલા લેબનોન કેદીઓની મુક્તિ.
  • સરહદ પર લેબનોન સૈન્યની તૈનાતી અને યુદ્ધગ્રસ્ત વિસ્તારોનું પુનર્નિર્માણ.

બીજી તરફ, ઇઝરાયલી વિદેશ પ્રધાન ગિડીઓન સા'આરે શાંતિની અપીલ કરતા કહ્યું હતું કે, "લેબનોન સાથે અમારો કોઈ પાયાનો વિવાદ નથી, માત્ર નાના સરહદી પ્રશ્નો છે. મુખ્ય અવરોધ માત્ર હિઝબુલ્લાહ છે." તેમણે લેબનોન સરકારને હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવામાં સહયોગ કરવા પણ વિનંતી કરી છે. જોકે, હિઝબુલ્લાહે હજુ સુધી આ વાટાઘાટોને માન્યતા આપી નથી, જે શાંતિ પ્રક્રિયા માટે હજુ પણ મોટો પડકાર છે.