US Canada Relations: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની હવે ટ્રમ્પના ખોટા દાવાઓને સાચા ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. માર્ક કાર્નીએ અમેરિકી રાષ્ટ્રપતિના વખાણ કરતા કહ્યું કે તેઓ પરિવર્તનને પસંદ કરનારા વ્યક્તિ છે અને તેમણે ભારત અને પાકિસ્તાન જેવા દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
માર્ક કાર્નીએ ટ્રમ્પના કર્યા વખાણ
વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારે પ્રશંસા કરતા કહ્યું કે તેમણે ભારત અને પાકિસ્તાન જેવા દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં તેમની મહત્વની ભૂમિકા ભજવી છે. વ્હાઇટ હાઉસમાં યોજાયેલી દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન માર્ક કાર્નીએ કહ્યું હતું કે ટ્રમ્પ એક પરિવર્તનકારી રાષ્ટ્રપતિ છે.
કેનેડાના વડાપ્રધાને દાવો કર્યો કે અમેરિકી અર્થતંત્રમાં પરિવર્તન, નાટોના સહયોગીઓ દ્વારા સંરક્ષણ ખર્ચમાં અભૂતપૂર્વ વધારો, તેમજ ભારત અને પાકિસ્તાનથી લઈને અઝરબૈજાન અને આર્મેનિયા સુધી શાંતિની સ્થાપના રાષ્ટ્રપતિના પ્રયાસોની જ દેન છે.
નોંધનીય છે કે કેનેડાના વડાપ્રધાનની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે થોડા મહિના પહેલા જ ટ્રમ્પે કેનેડા પર વધારાના ટેરિફ લગાવવાની અને કેનેડાને અમેરિકામાં ભેળવવાની ધમકી આપી હતી. માર્ક કાર્નીએ માર્ચ મહિનામાં જ કેનેડાના પીએમ તરીકેનો પદભાર સંભાળ્યો હતો અને આ તેમની બીજી અમેરિકી યાત્રા છે. માનવામાં આવે છે કે કેનેડા ટ્રમ્પની પ્રશંસા કરીને તેમને ખુશ કરવા માંગે છે.
ભારતે ટ્રમ્પના દાવાને ફગાવ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિએ ભલે એવો દાવો કર્યો હોય કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવ્યો, પરંતુ ભારતે ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે પહેલા જ ફગાવી દીધા છે. ભારતે પાકિસ્તાન સાથે સૈન્ય કાર્યવાહી સ્થગિત કરવામાં કોઈપણ ત્રીજા પક્ષની ભૂમિકાને સંપૂર્ણપણે નકારી દીધી હતી.
