Canada Training Plane Crash: કેનેડામાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન એક વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ અત્યંત દુઃખદ વિમાન અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના કરૂણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાની પુષ્ટિ કેનેડા સ્થિત વાંકુવર ખાતેના ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસ (Consulate General of India, Vancouver) દ્વારા કરવામાં આવી છે.
ભારતીય મૃતકોની ઓળખ અને વિગત
ભારતીય દૂતાવાસ તરફથી મળેલી માહિતી અનુસાર, બંને વિદ્યાર્થીઓ કેનેડામાં કોમર્શિયલ પાયલટ અને ઉડ્ડયન તાલીમના ભાગરૂપે ઉડાનનો અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન વિમાન ક્રેશ થતા બંને વિદ્યાર્થીઓનું અકાળે મૃત્યુ થયું છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર ભારતીય તાલીમાર્થીઓની ઓળખ તમિલનાડુના મનોજ શિવકુમાર અને પુડુચેરીના શ્રીસરન થિરુજ્ઞાનસંબંદમ તરીકે થઈ છે.
ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યો શોક
આ કરૂણ ઘટના અંગે વાંકુવર સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. દૂતાવાસે પોતાના સંદેશમાં જણાવ્યું કે, "વાંકુવર સ્થિત ભારતનું મહાવાણિજ્ય દૂતાવાસ તમિલનાડુના મનોજ શિવકુમાર અને પુડુચેરીના શ્રીસરન થિરુગ્નાનસંબંથમના અવસાન પર ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. આ કઠિન સમયમાં તમામ સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો અને તેમના સ્વજનો સાથે છે."
પાર્થિવદેહ ભારત લાવવા પ્રક્રિયા શરૂ
દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ સ્થાનિક કેનેડિયન સત્તાવાળાઓ અને પીડિત પરિવારો સાથે સતત સંપર્કમાં છે. મૃતક વિદ્યાર્થીઓના પાર્થિવ દેહને સન્માનપૂર્વક ભારત સ્થિત તેમના ગૃહ રાજ્યોમાં પાછા લાવવા માટે જરૂરી તમામ વાણિજ્યિક (Consular) મદદ પરિજનોને પૂરી પાડવામાં આવી રહી છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ બંને વિદ્યાર્થીઓના વતન અને પરિવારોમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં સ્થાનિક કેનેડિયન પ્રશાસન અને સત્તાવાળાઓ વિમાન અકસ્માતના કારણો જાણવા માટે વિગતવાર તપાસ કરી રહ્યા છે.
