BAPS Hindu Temple Paris: કળા, સ્થાપત્ય અને ભવ્ય સ્મારકો માટે સમગ્ર વિશ્વમાં જાણીતા ફ્રાન્સના પાટનગર પેરિસમાં સનાતન આધ્યાત્મિક પરંપરાનું એક નવું સીમાચિહ્ન સ્થાપિત થઈ ગયું છે. મધ્ય પૂર્વ પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નવનિર્મિત બી. એ. પી. એ. એસ. (BAPS) સ્વામિનારાયણ હિન્દુ મંદિર ફ્રાન્સ દેશનું સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે. આ મંદિર ભારતીય સ્થાપત્ય કળા અને ફ્રેન્ચ એન્જિનિયરિંગના સુભગ સમન્વયનું એક અજોડ પ્રતીક છે. બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે વિવિધ ધર્મોના ઉપાસના સ્થાનો ધરાવતા 'એસ્પલેનેડ ઓફ રિલીજન્સ એન્ડ કલ્ચર્સ' વિસ્તારમાં આ મંદિરનું ભવ્ય નિર્માણ પૂર્ણ થયું છે.
આગામી 6 સપ્ટેમ્બરના રોજ બી. એ. પી. એ. એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા આ મંદિરનું પ્રાણપ્રતિષ્ઠા અને ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આ ઐતિહાસિક અવસરની ઉજવણી માટે પેરિસમાં આગામી 2 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી 13 દિવસીય ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ એટલે કે ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વના 42 દેશોમાંથી હજારો ભક્તો અને ભાવિકો પધારશે.
જમીન ફાળવણીથી લઈને પથ્થરોના આગમન સુધીનો ઇતિહાસ
આ ભવ્ય મંદિરના નિર્માણની શરૂઆત વર્ષ 2017 માં થઈ હતી, જ્યારે પેરિસમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલી સભા દરમિયાન બુસી-સેંટ-જ્યોર્જેસના મેયર યાન ડ્યુબોસ્ક દ્વારા મંદિર માટે જમીન ફાળવણીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ બી. એ. પી. એ. એસ. ના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં વર્ષ 2021 માં ભૂમિપૂજન અને વર્ષ 2022 માં શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, 13 જુલાઈ 2023 ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં બી. એ. પી. એ. એસ. સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ આર્કિટેક્ટ્સ સાથે મુલાકાત કરીને મંદિરનું 3D મોડેલ નિહાળ્યું હતું. એપ્રિલ 2024 માં મહંત સ્વામી મહારાજે મંદિરના અંતિમ નકશા પર ફ્રેન્ચ શબ્દ 'Bénédictions' (આશીર્વાદ) લખીને આશીર્વાદ આપ્યા અને ત્યારબાદ બાંધકામની સત્તાવાર શરૂઆત થઈ હતી. જાન્યુઆરી 2026 માં ભારતમાં ખાસ કોતરાયેલા પથ્થરોનું પ્રથમ કન્ટેનર પેરિસ પહોંચ્યું હતું.
ભવ્ય સ્થાપત્ય અને વૈશ્વિક સામગ્રીની ઝલક
આ મંદિર પ્રાચીન ભારતીય સ્થાપત્ય શાસ્ત્રો અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી તૈયાર થયું છે. 5000 ચોરસ મીટર (આશરે 53,800 ચોરસ ફૂટ) ના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ મંદિરમાં 5 શિખરો, 10 ઘુમ્મટો, 20 કંડારેલા સ્તંભો, 120 ઝરૂખાઓ, 49 ચરિત્ર શિલ્પ પેનલ અને 4 સુશોભિત છત્રીઓ બનાવવામાં આવી છે.
ભારતના કુશળ કારીગરો દ્વારા હાથથી કોતરવામાં આવેલા 1000 થી વધુ પથ્થરો અને કાષ્ઠના ટુકડાઓ પર સુંદર કોતરણી કરી, તેને કોડ નંબર આપીને ફ્રાન્સ મોકલવામાં આવ્યા હતા. પેરિસમાં તેનું એસેમ્બલિંગ કરવા માટે ભારતીય કારીગરોની સાથે ફ્રેન્ચ એન્જિનિયરો અને વિખ્યાત નોત્ર-દામ કેથેડ્રલના પુનઃ સ્થાપન કાર્ય સાથે જોડાયેલી ફ્રેન્ચ સંસ્થા 'H Chevalier' ના નિષ્ણાતો પણ જોડાયા હતા. આ પરંપરાગત મંદિરમાં ક્યાંય પણ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેના બાંધકામમાં મુખ્યત્વે ગ્રીસના થાસોસ માર્બલ તેમજ ભારતના અંબાજી માર્બલ, વિયેતનામ, ઈટલીના માર્બલ અને ગ્વાલિયરના સેન્ડસ્ટોનનો ઉપયોગ કરાયો છે.
પર્યાવરણ રક્ષા અને આધુનિક સુવિધાઓ
આ મંદિર આધ્યાત્મિક કેન્દ્ર હોવાની સાથે પર્યાવરણ રક્ષા એટલે કે, સસ્ટેનેબિલિટીનું પણ મોટું ઉદાહરણ પૂરું પાડે છે. મંદિરમાં વરસાદી પાણી સંગ્રહ વ્યવસ્થા (રેઈન વોટર હાર્વેસ્ટિંગ), એલઈડી સેન્સર લાઈટિંગ, રૂફટોપ ગાર્ડન અને અંડરફ્લોર હીટિંગ જેવી સુવિધાઓ છે. આ ઉપરાંત સંકુલમાં પ્રદર્શન ખંડ, વર્ગખંડો, સભાગૃહ, સેમિનાર હોલ, સ્પોર્ટ્સ હોલ, અલ્પાહારગૃહ અને ગિફ્ટ શોપની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
13 દિવસીય મહોત્સવના મુખ્ય આકર્ષણો
આ મહોત્સવની સેવામાં 3000 થી વધુ ઉત્સાહી સ્વયંસેવકો જોડાયા છે. સાંસ્કૃતિક ઉત્સવ દરમિયાન નીચે મુજબના વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે:
- 2 થી 14 સપ્ટેમ્બર: દૈનિક વૈદિક મહાયજ્ઞ
- 2 સપ્ટેમ્બર: મહિલાઓ દ્વારા ભવ્ય પાલખી યાત્રા
- 3 સપ્ટેમ્બર: પેરિસની સેન નદી પર 11 સુસજ્જ નૌકાઓ સાથે જલ યાત્રા (જે વર્ષ 1997 માં પ્રમુખસ્વામી મહારાજની નૌકાયાત્રાની સ્મૃતિઓ તાજી કરશે)
- 5 સપ્ટેમ્બર: પેરિસના જગવિખ્યાત સીમાચિહ્નો પાસેથી પસાર થતી 14 સુશોભિત રથો સાથેની ભવ્ય નગરયાત્રા
- 6 સપ્ટેમ્બર: મહંત સ્વામી મહારાજના હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ
- 14 સપ્ટેમ્બર: ભવ્ય હિન્દુ સાંસ્કૃતિક ઉત્સવ સાથે પૂર્ણાહુતિ
BAPS સંસ્થાનો માનવતાવાદી સેવાઓનો ઇતિહાસ
વર્ષ 1970 માં પેરિસની મુલાકાત વખતે ગુરુ યોગીજી મહારાજે ફ્રાન્સમાં સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી, અને વર્ષ 1982 માં એફિલ ટાવર નજીક પ્રથમ સત્સંગ સભા યોજાઈ હતી. ત્યારથી શરૂ થયેલી સત્સંગ યાત્રા આજે આ ભવ્ય મંદિરના સ્વરૂપે સાકાર થઈ છે.
આ સંસ્થા સામાજિક સેવાઓમાં પણ અગ્રેસર રહી છે. કોવિડ-19 મહામારી દરમિયાન પેરિસના સ્વયંસેવકોએ જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડ્યું હતું. તે જ રીતે યુક્રેન સંકટ સમયે પોલેન્ડના રઝેશોવ શહેરમાં રોજ આશરે 1000 જેટલા શરણાર્થીઓને ગરમ શાકાહારી ભોજન પૂરું પાડ્યું હતું. તાજેતરમાં યોજાયેલા પેરિસ ઓલિમ્પિક દરમિયાન ફ્રેન્ચ ગૃહ મંત્રાલયના ખાસ આમંત્રણથી સંસ્થાના સ્વયંસેવકોએ ઓલિમ્પિક વિલેજમાં હિન્દુ ફેઇથ સેન્ટર દ્વારા દિવ્ય સેવાઓ પણ આપી હતી.
