Bangladesh Violence: બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને તણાવ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સંભવિત પરત ફરવાની અટકળો વચ્ચે દેશના અનેક વિસ્તારોમાં અશાંતિ ફેલાઈ છે. અવામી લીગના સમર્થકો રસ્તા પર ઉતર્યા હોવાના અહેવાલો, આગચંપી અને બોમ્બ વિસ્ફોટની ઘટનાઓએ સ્થાનિક તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળોનો કાફલો વધારી દેવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, ભયના માહોલને કારણે ઘણા બજારો બંધ રહ્યા છે અને વહીવટીતંત્ર સતર્ક બન્યું છે.
28 જિલ્લામાં ફેલાયો તણાવ, વાહનો અને બસો સળગાવી દેવાઈ
શેખ હસીના પાછા ફરી શકે છે તેવી ચર્ચાઓએ બાંગ્લાદેશના આંતરિક રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે. અવામી લીગના કાર્યકરો દ્વારા વિરોધ-પ્રદર્શન અને હિંસક ઘટનાઓના અહેવાલો વચ્ચે ખગરાછડી, નારાયણગંજ, માણિકગંજ અને પાબના સહિતના વિસ્તારોમાં સ્થિતિ નાજુક બની છે. મળતી માહિતી મુજબ, અશાંતિની આ આગ દેશના 28 જેટલા જિલ્લાઓ સુધી પ્રસરી છે.
હિંસા દરમિયાન તોફાની તત્વોએ આગચંપી અને બોમ્બ વિસ્ફોટનો સહારો લીધો હોવાનું સામે આવ્યું છે. અનેક ખાનગી વાહનો અને રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવ્યા છે, જ્યારે કેટલીક બસોને આગ ચાંપી દેવામાં આવી છે. પાબના વિસ્તારમાં બીએનપી (BNP) અને અવામી લીગના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘણી જગ્યાએ વેપાર-ધંધા અને બજારો બંધ રાખવાની ફરજ પડી છે, જ્યારે સ્થાનિક પ્રશાસનને હાઈ એલર્ટ પર રખાયું છે.
પ્રતિબંધ છતાં સક્રિય નેટવર્ક, સેંકડો લોકોની ધરપકડ
અવામી લીગ પર પ્રતિબંધ હોવા છતાં તેના સમર્થકો મોટાપાયે રસ્તા પર ઉતર્યા હોવાથી સરકાર અને સુરક્ષા એજન્સીઓ માટે નવી કસોટી ઊભી થઈ છે. હિંસા, તોડફોડ અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના બનાવો બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. અલગ-અલગ વિસ્તારોમાંથી સેંકડો શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. રવિવારે ગાઝીપુરના ટોંગી વિસ્તારમાંથી અવામી લીગના પૂર્વ છાત્ર નેતા તાનિયા અખ્તર તપોશીની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
પેટ્રાપોલ સરહદની ચર્ચા અને સરકારનો કડક વલણ
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક આવેલા પેટ્રાપોલ બોર્ડરને લઈને પણ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. અવામી લીગના ચાર વરિષ્ઠ નેતાઓ શેખ હસીનાના પરત ફરવાની સંભાવના વચ્ચે પેટ્રાપોલ સરહદ પહોંચ્યા હોવા અને સીમા નજીકના સંભવિત માર્ગોની ચકાસણી કરી રહ્યા હોવાના અહેવાલોએ હલચલ મચાવી છે.
સરહદ અને આંતરિક વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બાંગ્લાદેશમાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે અને ગુપ્તચર તથા સુરક્ષા એજન્સીઓની નજર સઘન બનાવી દેવાઈ છે. આ સાથે જ બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાના આગમનને અટકાવવા માટે ભારત સાથેની પ્રત્યાર્પણ સંધિ હેઠળ જરૂરી પગલાં ભરવાની માગ ઉઠાવી છે.
