Bangladesh bus accident: બાંગ્લાદેશમાં એક મોટી બસ દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ખાનગી પેસેન્જર બસ પદ્મા નદીમાં ખાબકી હતી. બસમાં સવાર 23 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 11 જેટલા મુસાફરોએ જાતે તરીને પોતાનો જીવ બચાવવામાં સફળતા મેળવી છે. બુધવારે સાંજે સર્જાયેલા આ અકસ્માતમાં હજુ અનેક લોકો લાપતા છે.
ફેરી બોટ પર ચઢાવતા સમયે બસ પલટી
આ હૃદયદ્રાવક અકસ્માત રાજબાડી જિલ્લાના દાઉલાદિયા ટર્મિનલ પર થયો હતો. બસમાં અંદાજે 40 જેટલા મુસાફરો સવાર હતા. જ્યારે બસને નદી પાર કરવા માટે ફેરી બોટ પર ચઢાવવામાં આવી રહી હતી, તે દરમિયાન ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી જ પદ્મા નદીમાં જઈ પડી હતી.
21 મૃતદેહ સાથે નદીમાં બહાર કાઢી બસ
આ અકસ્માતની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બચાવ ટીમે 'હમઝા' નામના જહાજની મદદ લીધી અને લગભગ 6 કલાકની જહેમત બાદ મધ્યરાત્રીએ નદીમાં ગરકાવ થયેલ બસને બહાર કાઢી હતી.
#WATCH | Rajbari, Bangladesh | Search and rescue operations are underway after a passenger bus fell into the Padma River yesterday evening, claiming the lives of 23 people so far. pic.twitter.com/zEhOHREsS6
— ANI (@ANI) March 26, 2026
બહાર કાઢવામાં આવેલી બસમાંથી 21 મૃતદેહ મળી આવ્યા હતા. ડાઇવર્સે અગાઉ બે મહિલાના મૃતદેહ નદીમાંથી શોધી કાઢ્યા હતા. હજુ પણ કેટલાક લોકો ગુમ હોવાની આશંકા છે, જેથી ફાયર સર્વિસ અને કોસ્ટગાર્ડના ડાઇવર્સ સેના તેમજ પોલીસની મદદથી શોધખોળ અભિયાન ચલાવી રહ્યા છે.
23 જેટલા મુસાફરોના મોત થયાની માહિતી
પ્રત્યક્ષદર્શીઓની માહિતી મુજબ, બસમાં એક જ પરિવારના અનેક સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. કમનસીબે, જે લોકો બસની બહાર ઊભા હતા તેઓ પોતાનો જીવ બચાવી શક્યા, પરંતુ તેમના પરિવારના અન્ય સભ્યો બસની અંદર જ ફસાઈ જવાથી મોતને ભેટ્યા હતા. બસમાં સવાર 23 લોકોના મોત નિપજ્યા છે. આ બનાવમાં 11 જેટલા મુસાફર બચી ગયા છે.
ઈદની રજાઓ બાદ પરત ફરી રહેલા લોકો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનાગ્રસ્ત બસ રાજધાની ઢાકા તરફ જઈ રહી હતી. બસમાં સવાર મોટાભાગના લોકો ઈદની રજા મનાવીને ઢાકા પરત ફરી રહ્યા હતા, જેમાં બાળકોનો પણ સમાવેશ થતો હતો. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં નદીઓ પાર કરવા માટે બસો અને અન્ય વાહનોને લઈ જવા ફેરીનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે.
#Bangladesh- #Dhaka bound passenger bus lost control and plunged into the water while attempting to board a ferry at the Daulatdia Ghat in Rajbari. The incident occurred at Pontoon No. 3 around 5:30 PM on Wednesday.
— Siraj Noorani (@sirajnoorani) March 26, 2026
1/2 pic.twitter.com/m3MirNF0xH
વડાપ્રધાને આપ્યા તપાસના આદેશ
આ ગંભીર ઘટના બાદ બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને દુર્ઘટના અને બચાવ કામગીરી અંગેની વિસ્તૃત માહિતી મેળવી છે. આ સાથે જ તેમણે સમગ્ર અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે સઘન તપાસ કરવાના આદેશ પણ આપી દીધા છે. સંયુક્ત બચાવ કામગીરીમાં ફાયર સર્વિસ, નેવી, પોલીસ અને અન્ય વિવિધ દળો બચાવ કામગીરી કરી રહ્યા છે.
