Bangladesh Durga Puja 2026: બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાના આયોજન સ્થળો પર હિંસાની 34 ઘટનાઓ સામે આવી છે. જેમાં મંદિરો પર હુમલા, મૂર્તિઓની તોડફોડ અને હિંસાના અન્ય સ્વરૂપો સામેલ છે. સ્થાનિક હિન્દુ સંગઠનો દ્વારા અધિકારીઓને આગ્રહ કરવામાં આવ્યો કે, તેઓ આ હુમલાઓને રોકવા માટે અસરકારક પગલાં ભરે અને વર્ષ દરમિયાન હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરે.
સુરક્ષા આપવા હિન્દુ સંગઠનોની માંગણી
હિન્દુ સંગઠનોના જણાવ્યા અનુસાર, સિલહટ, રાજબારી, પંચગઢ, નેત્રકોના અને તંગૈલ સહિતના અનેક જિલ્લામાં મૂર્તિઓ તોડવાની અને મંદિરો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. સંગઠનોએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, "પૂજાના પાંચ દિવસની સુરક્ષા પૂરતી નથી. વર્ષના 365 દિવસ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવવી જોઈએ."
મંદિરોમાં ચોરી, ઘરો-દુકાનોમાં લૂંટપાટ થઈ
આ ઉપરાંત ફરીદપુરના એક કાળી મંદિરમાં ચોરી અને સુનામગંજમાં હિન્દુ સમુદાયના લોકોના ઘરો, દુકાનો તથા મંદિરો પર હુમલા અને લૂંટપાટની ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં નૌગાંવમાં થયેલી લૂંટનો પણ સમાવેશ થાય છે, જેમાં સામેલ લોકોએ કથિત રીતે પોતાને ગુપ્તચર એજન્સીના અધિકારી ગણાવ્યા હતા.
કોમી સૌહાર્દ જાળવી રાખવા વિશેષ અપીલ
હિન્દુ સંગઠન 'બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદ'ના મહાસચિવ સંતોષ શર્માએ આ વાત પર ભાર મૂક્યો કે, ધાર્મિક તહેવારોએ તમામ સમુદાયોના લોકોને એકસાથે લાવવા જોઈએ અને કોમી સૌહાર્દની પરંપરાને જાળવી રાખવી જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે દુર્ગા પૂજા શાંતિપૂર્ણ રીતે અને કોઈ પણ અપ્રિય ઘટના વિના સંપન્ન થશે.
