Bangladesh Hindu Murder: બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં એક હિન્દુ વેપારી ખોકન ચંદ્ર દાસની હત્યા કરવામાં આવી છે. 50 વર્ષીય ખોકન ચંદ્ર દાસ પર 31 ડિસેમ્બરના રોજ જીવલેણ હુમલો થયો હતો. આ હુમલા બાદ તેઓ ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા, પરંતુ અંતે શનિવારે 3 જાન્યુઆરીએ તેમનું અવસાન થયું હતું.
દુકાનેથી ઘરે પરત ફરતા સમયે થયો હુમલો
ખોકન ચંદ્ર દાસ ઢાકાથી આશરે 150 કિલોમીટર દૂર આવેલા પોતાના ગામમાં દવા અને મોબાઈલ બેંકિંગનો વ્યવસાય કરતા હતા. બુધવારે રાત્રે આશરે 9:30 વાગ્યે જ્યારે તેઓ કેઉરભંગા બજારમાં આવેલી પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે પ્રદર્શનકારીઓએ તેમના પર હુમલો કર્યો હતો.
હુમલાખોરોએ પેટ્રોલ રેડીને આગ ચાંપી
સ્ત્રોતો અનુસાર હુમલાખોરોએ પહેલા વેપારીને નિર્દયતાથી માર માર્યો અને ત્યારબાદ ધારદાર હથિયારો અને છરીથી હુમલો કર્યો હતો. હુમલાખોરોએ એટલી હદે ક્રૂરતા દાખવી કે ખોકન દાસના માથા અને ચહેરા પર પેટ્રોલ રેડીને આગ લગાવી દીધી હતી. ગંભીર રીતે દાઝેલા વેપારી પોતાનો જીવ બચાવવા માટે કોઈક રીતે નજીકના તળાવમાં કૂદી પડ્યા હતા, જેના કારણે હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા.
હુમલાખોરોને ઓળખી લેતા હત્યા
મૃતકની પત્ની સીમા દાસે જણાવ્યું હતું કે તેમનો કોઈની સાથે કોઈ વિવાદ નહોતો. તેણે વધુમાં ખુલાસો કર્યો કે ખોકન ચંદ્ર દાસે હુમલાખોરોમાંથી બે વ્યક્તિઓને ઓળખી લીધા હતા. આ જ કારણસર હુમલાખોરોએ પુરાવાનો નાશ કરવા અથવા વધુ નુકસાન પહોંચાડવા માટે તેમના ચહેરા અને માથા પર પેટ્રોલ છાંટીને તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધતા હુમલાઓ
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓનો આ વધુ એક કિસ્સો છે. આ ઘટનાને લઈને વિવિધ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ આ મામલે પ્રતિક્રિયાઓ આવી રહી છે, જેમાં જમ્મુમાં ગેરકાયદેસર રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને પરત મોકલવાની માંગ તેજ બની છે.
