London BAPS: આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે નવી પેઢીનું ધ્યાન મોબાઈલ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ટેકનોલોજી તરફ ઝડપથી આકર્ષાઈ રહ્યું છે, ત્યારે બ્રિટનની ધરતી પરથી ભારતીય સંસ્કૃતિ અને સનાતન વારસાને જીવંત રાખતી એક ઐતિહાસિક પહેલ સામે આવી છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજે રવિવાર, 11 ઑક્ટોબર 2026ના રોજ લંડનના પ્રખ્યાત શ્રી સ્વામિનારાયણ મંદિર (નીસડન ટેમ્પલ) ખાતે ‘અક્ષરપુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા’ નું ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું.
મહંત સ્વામી મહારાજનો સંકલ્પ થયો સાકાર
આ પણ વાંચો
આ સંસ્કૃત પાઠશાળાની સ્થાપના પાછળ મહંત સ્વામી મહારાજનો વિશેષ સંકલ્પ જોડાયેલો છે. ગત 24 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા ‘સત્સંગદીક્ષા સન્માન મહોત્સવ’ દરમિયાન તેમણે પત્ર લખીને લંડન વિચરણ દરમિયાન સંસ્કૃત પાઠશાળા શરૂ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પાઠશાળાનું નામકરણ પણ તેમણે સ્વયં ‘અક્ષરપુરુષોત્તમ સંસ્કૃત પાઠશાળા’ કર્યું છે. તેમના આ સંકલ્પની પૂર્તિ સાથે બ્રિટનમાં સંસ્કૃત ભાષાના સંવર્ધનનો નવો અધ્યાય શરૂ થયો છે.

શાસ્ત્ર-અધ્યયનની ગૌરવશાળી પરંપરાનો પુનરુદ્ધાર
ઉદ્ઘાટન પ્રસંગે મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની શાસ્ત્રીય પરંપરાનો પરિચય આપતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી જ સંસ્કૃતમાં શાસ્ત્રરચનાનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સંસ્કૃત અભ્યાસને સતત પ્રોત્સાહન આપ્યું હતું.
પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ ઉમેર્યું હતું કે લંડનના બાળકો, કિશોરો અને યુવાનો માત્ર સંસ્કૃત શીખે જ નહીં પરંતુ સંસ્કૃતમાં સહજ સંવાદ કરતા થાય તેવી મહંત સ્વામી મહારાજની વિશેષ અભિલાષા છે.
ઔપચારિક શરૂઆત પહેલા જ 350થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા
આ પહેલની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે પાઠશાળાના વિધિવત શુભારંભ પહેલાંથી જ આશરે 350 જેટલા બાળ અને યુવા વિદ્વાનો સંસ્કૃતના અભ્યાસ સાથે જોડાઈ ચૂક્યા હતા. સમારોહ દરમિયાન આ બાળ-યુવા વિદ્વાનોએ સંસ્કૃત ભાષામાં એક વિશિષ્ટ નાટ્યાત્મક પ્રસ્તુતિ આપી હતી, જેમાં તેમણે સંસ્કૃત સંવાદો દ્વારા મહંત સ્વામી મહારાજના પેરિસ અને લંડન વિચરણના પ્રસંગો યાદ કરી આભાર વ્યક્ત કર્યો હતો.
વૈદિક વિધિ સાથે મંગલદીપ પ્રગટાવવામાં આવ્યો
ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મહંત સ્વામી મહારાજે વૈદિક પરંપરા અનુસાર અક્ષરપુરુષોત્તમ મહારાજનું પૂજન કર્યું હતું. ત્યારબાદ ઉદ્ઘાટન તકતીનું અનાવરણ કરીને જ્ઞાનના પ્રતીકરૂપ મંગલદીપ પ્રગટાવ્યો હતો. આ તકે તેમણે ઉપસ્થિત તમામ હરિભક્તો અને વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષામાં આશીર્વચન પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા.
નવી પેઢી માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ભાથું
લંડનના નીસડન મંદિરમાં શરૂ થયેલી આ પાઠશાળા માત્ર ભાષા શીખવવાનું કેન્દ્ર નહીં રહે, પરંતુ પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે ઉછરી રહેલી નવી પેઢીમાં શાસ્ત્રીય વિદ્વત્તા, આધ્યાત્મિક સમજણ અને ભારતીય સંસ્કારોનું સિંચન કરવાનું એક મજબૂત માધ્યમ બનશે.
