Israel-Iran war: શું ઈઝરાયલ-ઈરાન યુદ્ધનો અંત આવશે? 45 દિવસના સીઝફાયર માટે તીવ્ર કૂટનીતિક પ્રયાસો

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 37 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 06 Apr 2026 03:04 PM (IST)Updated: Mon, 06 Apr 2026 03:05 PM (IST)
america-israel-iran-war-45-day-ceasefire-proposal-middle-east-news
HIGHLIGHTS
  • ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ ખતમ થશે?
  • 45 દિવસના સીઝફાયર માટે થઈ મંત્રણા
  • પાકિસ્તાન, ઈજિપ્ત-તુર્કીએ કરી મધ્યસ્થી

US-Israel and Iran war ceasefire: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 37 દિવસથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષને કારણે મિડલ ઈસ્ટમાં દર કલાકે તણાવ અને ખતરો વધી રહ્યો છે. જોકે, આ ભયાનક સ્થિતિ વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. બંને પક્ષો વચ્ચે 45 દિવસના સંભવિત સીઝફાયર (યુદ્ધવિરામ) માટેના પ્રયાસો થઈ રહ્યા છે.

મધ્યસ્થી દેશોની ભૂમિકા વચ્ચે મંત્રણા

એક્સિયોસ ન્યૂઝના (Axios News) એક રિપોર્ટ મુજબ, અમેરિકા-ઈરાન અને અન્ય ક્ષેત્રીય મધ્યસ્થી દેશો વચ્ચે આ યુદ્ધવિરામના પ્રસ્તાવ પર ગંભીર ચર્ચા ચાલી રહી છે, જેને યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં એક અત્યંત અગત્યનું પગલું માનવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વાટાઘાટો પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી દેશોની મધ્યસ્થી હેઠળ થઈ રહી છે. વિશેષ વાત એ છે કે, અમેરિકા અને ઈરાનના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે સીધા સંદેશાઓ દ્વારા પણ સતત સંવાદ ચાલી રહ્યો છે.

બે તબક્કામાં લાગુ થઈ શકે સમાધાન

આ શાંતિ કરારને બે તબક્કામાં પૂર્ણ કરવા માટે મધ્યસ્થી દેશો દ્વારા કેટલીક શરતો પર ચર્ચા કરવામાં આવી રહી છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, જો શાંતિ મંત્રણા માટે વધુ સમયની આવશ્યકતા જણાશે તો આ સીઝફાયરની મુદતને લંબાવી પણ શકાશે.

  • પ્રથમ તબક્કો: આ તબક્કા અંતર્ગત સંભવિત રીતે 45 દિવસનું સીઝફાયર લાગુ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન યુદ્ધને હંમેશા માટે ખતમ કરવાના મુદ્દે વાટાઘાટો થશે.
  • બીજો તબક્કો: આ અંતિમ તબક્કામાં યુદ્ધ પૂર્ણ કરવા માટેનો ઔપચારિક કરાર કરવામાં આવશે.

US વિદેશ વિભાગ હજુ પણ મૌન

રોઇટર્સ દ્વારા એક્સિયોસ ન્યૂઝના હવાલાથી જાણકારી આપવામાં આવી છે કે, આ સંભવિત 45 દિવસના સીઝફાયરની શરતો પર વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે, જેથી યુદ્ધ કાયમ માટે ખતમ થઈ શકે. જોકે, વ્હાઇટ હાઉસ અને US વિદેશ વિભાગ દ્વારા રોઇટર્સના સવાલોનો કોઈ જવાબ આપવામાં આવ્યો ન હોવાથી હાલ તુરંત સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.