Iran Israel war: મિડલ ઈસ્ટમાં ભડકેલી આગની અસર, અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી ગ્લોબલ એડવાઈઝરી

અમેરિકાની દુનિયાભરમાં વસતા પોતાના નાગરિકોને 'વધારે સાવચેતી' રાખવા અપીલ કરી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 23 Mar 2026 02:25 PM (IST)Updated: Mon, 23 Mar 2026 02:25 PM (IST)
america-global-advisory-for-its-citizens-amid-war-situation-in-middle-east
HIGHLIGHTS
  • દુનિયાભરમાં વસતા અમેરિકન નાગરિકોને ચેતવણી
  • મિડલ ઈસ્ટ અને ઈરાનના તણાવ વચ્ચે ખાસ અપીલ
  • તમામ નાગરિકોને વધારે સાવચેતી રાખવા સૂચન કર્યું

US citizens warning: પશ્ચિમ એશિયાના યુદ્ધ અને ઈરાન સાથે વધતા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા એક વર્લ્ડવાઇડ સાવચેતી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં વિદેશમાં અને ખાસ કરીને મિડલ ઈસ્ટમાં રહેતા અમેરિકનોને "વધારે સાવચેતી" રાખવાની અપીલ કરી છે.

અમેરિકન નાગરિકો માટે ખાસ એડવાઈઝરી

કોન્સ્યુલર અફેર્સ ડિવિઝન દ્વારા શેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, "સ્ટેટ ડિપાર્ટમેન્ટ વિશ્વભરમાં અને ખાસ કરીને મિડલ ઈસ્ટમાં અમેરિકનોને વધારાની સાવચેતી રાખવાની સલાહ આપે છે". આ એડવાઇઝરીમાં ચેતવણી આપી છે કે મિડલ ઈસ્ટની બહાર પણ અમેરિકન દૂતાવાસને નિશાન બનાવવામાં આવ્યા છે.

નાગરિકો પર ગંભીર હુમલાની ભારે આશંકા

વધુમાં એવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી છે કે, ઈરાનને સમર્થન આપતા જૂથ વિદેશમાં અમેરિકાના અન્ય હિતો અથવા દુનિયાભરમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને અમેરિકનો સાથે સંકળાયેલા સ્થળોને નિશાન બનાવી શકે છે. આ એડવાઇઝરીમાં પ્રવાસમાં સંભવિત અડચણો અંગે પણ પ્રકાશ પાડ્યો છે. સમયાંતરે એરસ્પેસ બંધ થવાને કારણે મુસાફરીમાં વિક્ષેપ પડી શકે છે.

નાગરિકો માટે સુરક્ષાના પગલાં અને સૂચનો 

વિદેશમાં રહેતા નાગરિકોને નજીકના US દૂતાવાસ અથવા વાણિજ્ય દૂતાવાસ દ્વારા જારી કરાયેલ સુરક્ષા ચેતવણીઓ અને માર્ગદર્શનનું પાલન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત, અમેરિકનોને નવીનતમ સુરક્ષા અપડેટ્સ મેળવવા માટે સ્ટેટ ડિપાર્ટમેન્ટની સિસ્ટમ પર નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો આદેશ

ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષના પ્રતિભાવમાં અમેરિકા સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યું છે. આ વચ્ચે આ એલર્ટ સામે આવ્યું છે. CNN અહેવાલ મુજબ, મિડલ ઈસ્ટની અસ્થિર પરિસ્થિતિ અને યુદ્ધની અસર અન્ય જગ્યાએ પણ ફેલાવાની શક્યતા છે, ત્યારે સ્ટેટ ડિપાર્ટમેન્ટે વિશ્વભરના તમામ દૂતાવાસને સુરક્ષા વ્યવસ્થાની તાત્કાલિક પુનઃ સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો.