અમેરિકાએ ઇરાનના 90 સૈન્ય મથકો પર કર્યો હુમલો, વળતા જવાબમાં ઇરાને કુવૈત અને બહેરીનમાં અમેરિકી બેઝને બનાવ્યા નિશાન

અમેરિકાએ ઈરાનમાં 90 સેન્ય મથકો પર હુમલા કર્યા, જ્યારે ઈરાને કુવૈત અને બહેરીનમાં અમેરિકી લશ્કરી થાણાઓને મિસાઈલ અને ડ્રોનથી નિશાન બનાવીને બદલો લીધો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 09 Jul 2026 12:13 PM (IST)Updated: Thu, 09 Jul 2026 12:13 PM (IST)
america-attacks-iran-90-military-bases-iran-retaliates-kuwait-bahrain-us-bases-middle-east-war

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. વિશ્વના લોકો આશા રાખી રહ્યા હતા કે, હવે યુદ્ધ પૂરું થઈ ગયું. પરંતુ ફરી યુદ્ધની આશંકાઓ તેજ બની છે. અમેરિકા અને ઇરાન વચ્ચે શરૂ થયેલી સીધી સૈન્ય કાર્યવાહીમાં બંને પક્ષે મોટા હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. અમેરિકાએ ઇરાનની અંદર ઘૂસીને 90 જેટલા સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે, જેના જવાબમાં ઇરાને પાડોશી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કર્યો છે.

અમેરિકાની ઇરાન પર મોટી કાર્યવાહી

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી છે કે, તેમણે 8 જુલાઈ ના રોજ ઇરાનના સૈન્ય મથકો પર પ્રિસિઝન સ્ટ્રાઇક્સની નવી લહેર શરૂ કરી છે. આ હુમલાઓમાં એર ડિફેન્સ સિસ્ટમ્સ, મિસાઇલ અને ડ્રોન સંગ્રહ કરવાના સ્થળો તેમજ વ્યૂહાત્મક કમાન્ડ નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યા હતા. સેન્ટકોમે આ હુમલાના વીડિયો ફૂટેજ પણ જાહેર કર્યા છે. જેમાં મોટા વિસ્ફોટો જોવા મળી રહ્યા છે.

આ અગાઉ 7 જુલાઈ ના રોજ અમેરિકાએ ઇરાનના 80 મથકો પર હુમલો કર્યો હતો, જેમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની 60 થી વધુ બોટનો નાશ કરવામાં આવ્યો હતો. અમેરિકાનું કહેવું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વ્યાપારી જહાજોની સુરક્ષા અને મુક્ત નેવિગેશન સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી જરૂરી હતી.

ઇરાનનો વળતો પ્રહાર: કુવૈત અને બહેરીનમાં અમેરિકી બેઝ પર હુમલો

અમેરિકાના હુમલાના જવાબમાં ઇરાનના IRGC એ કુવૈત અને બહેરીનમાં આવેલા ચાર મુખ્ય અમેરિકી સૈન્ય મથકો પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કર્યો છે. ઇરાની સત્તાવાર મીડિયા મુજબ, કુવૈતમાં આવેલા આરિફજાન અને અલી અલ સાલેમ એરબેઝ તેમજ બહેરીનમાં આવેલા જુફેર અને શેખ ઇસા એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ, બહેરીનમાં આવેલા અમેરિકી નૌકાદળના 5th Fleet હેડક્વાર્ટર પર પણ આ હુમલાની સીધી અસર થઈ છે. ઇરાને ચેતવણી આપી છે કે, જો અમેરિકા તેની આક્રમકતા ચાલુ રાખશે, તો સમગ્ર પ્રદેશમાં આવેલા અન્ય અમેરિકી બેઝ પર પણ હુમલા કરવામાં આવશે. ઇરાને અમેરિકાના આ હુમલાને તેહરાન પર થયેલા આક્રમણનો બદલો ગણાવ્યો છે.

ટ્રમ્પે આ પહેલા યુદ્ધ વિરામ પૂર્ણ થયાની જાહેરાત કરી હતી

આ ભીષણ સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ઇરાન સાથેનો યુદ્ધવિરામ હવે સમાપ્ત થઈ ગયો છે. બીજી તરફ, ઇરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ઘાલીબાફે આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે "અમેરિકાએ હજુ સુધી એ શીખ્યું નથી કે ગુંડાગીરી અને વચન ભંગ કરવા હવે મફત નથી. જો તમે હુમલો કરશો, તો વળતો હુમલો ચોક્કસ થશે." તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઇરાનના સાર્વભૌમ નિયંત્રણ હેઠળ જ રહેશે.

ઇરાનના શહેરોમાં અંધારપટ

અમેરિકી હુમલાઓને કારણે ઇરાનના ચાબહાર, બુશેહર, બંદર અબ્બાસ અને કોનાર્ક જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં પ્રચંડ વિસ્ફોટો સંભળાયા હતા. હુમલા બાદ ચાબહાર જેવા મહત્વના બંદર શહેરમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હોવાના અહેવાલ છે.

વધતા જતા તણાવને જોતા સંયુક્ત રાષ્ટ્ર (UN), પાકિસ્તાન અને કતારે બંને પક્ષોને સંયમ રાખવાની અને મોટા પાયે પ્રાદેશિક યુદ્ધ ટાળવા માટે તાત્કાલિક રાજદ્વારી પ્રયાસો કરવા અપીલ કરી છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ ઓપરેશન પાર પાડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ અને તૈયાર છે.