Al Qaeda flydubai Threat: વૈશ્વિક સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કરતા કુખ્યાત આતંકવાદી સંગઠન અલ-કાયદાએ ફ્લાયદુબઈ (Flydubai) વિમાન સાથે જોડાયેલી ઘટનામાં એક નવું અને અત્યંત સંવેદનશીલ નિવેદન આપ્યું છે. તાજેતરમાં ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કો-પાયલટ તરીકે ફરજ બજાવતા હમામ અલ-હમ્મામી (Hamam al-Hammami) દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રયાસને અલ-કાયદાએ ખુલ્લેઆમ બિરદાવ્યો છે. સંગઠને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે પશ્ચિમી દેશો અને ઇઝરાયેલ વિરુદ્ધનું તેમનું યુદ્ધ હજુ પૂરું થયું નથી.
હુમલાખોર કો-પાયલટના વખાણ અને 9/11ની યાદ
અલ-કાયદાના પ્રોપગેન્ડા નેટવર્ક દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનો મુજબ, સંગઠને ફ્લાયદુબઈના કો-પાયલટ હમામ અલ-હમ્મામીના આ પગલાને 'સાહસિક' ગણાવ્યું છે. આતંકી સંગઠને વર્ષ 2001ના કુખ્યાત 9/11 (સપ્ટેમ્બર 11) ના અમેરિકા પર થયેલા હુમલાની યાદ અપાવતા કહ્યું છે કે એવિએશન સેક્ટરને નિશાન બનાવીને કરવામાં આવતા આવા હુમલાઓ હજુ અટકવાના નથી. આ નિવેદન દ્વારા તેઓ એવો સંદેશ આપવા માગે છે કે ભવિષ્યમાં પણ વિમાનો અને આંતરરાષ્ટ્રીય માર્ગો પર આવા જોખમી પ્રયાસો થઈ શકે છે.
અમેરિકા અને ઇઝરાયેલ પર સીધો ખતરો
અલ-કાયદાએ પોતાના નિવેદનમાં ખાસ કરીને અમેરિકા (US) અને ઇઝરાયેલને ટાર્ગેટ કર્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે આ આતંકવાદી સંગઠન દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી છે કે તેમની આ લડાઈ માત્ર જમીન પૂરતી સીમિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે તેમના દુશ્મનોના હિતોને નુકસાન પહોંચાડવા માટે તેઓ એવા કોઈપણ રસ્તા અપનાવશે. આ ધમકીને પગલે પશ્ચિમી દેશોની ગુપ્તચર એજન્સીઓ અને એવિએશન સેફ્ટી બોર્ડ વધુ એલર્ટ મોડ પર આવી ગયા છે.
આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા સામે ગંભીર સવાલો
આ ઘટના બાદ વૈશ્વિક એરલાઈન્સ અને પાયલટોની પૃષ્ઠભૂમિ (Background Verification) તથા માનસિક સ્વાસ્થ્ય તપાસવાની પદ્ધતિઓ પર ફરીથી મોટા સવાલો ઊભા થયા છે. કો-પાયલટ જેવા જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ જો આતંકી વિચારધારાથી પ્રભાવિત થઈને આવા પગલા ભરે, તો તે હજારો મુસાફરોના જીવન માટે ઘાતક સાબિત થઈ શકે છે. સુરક્ષા એજન્સીઓ હવે એ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ કેસમાં અન્ય કોઈ સ્લીપર સેલ કે કટ્ટરપંથી નેટવર્ક જોડાયેલું છે કે નહીં.
