Sudan Drone Attack: દુનિયાના વિભિન્ન ભાગોમાં હિંસા અને આતંકવાદી હુમલાઓની ગોઝારી ઘટનાઓ સામે આવી રહી છે. સુદાનના વિવાદિત અબ્યેઈ (Abyei) પ્રદેશ અને પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં થયેલા ભયાનક હુમલાઓમાં 200થી વધુ નિર્દોષ નાગરિકોના કરૂણ મોત નીપજ્યાં છે. અબ્યેઈમાં જ્યાં ભીડભાડ વાળા બજાર પર ડ્રોન સ્ટ્રાઈક કરીને કચ્ચરઘાણ વાળવામાં આવ્યો હતો, ત્યાં માલીમાં આતંકવાદી જૂથ ISIS દ્વારા નાગરિકો પર અમાનવીય હુમલો કરવામાં આવ્યો હતો.
અબ્યેઈના બજાર પર ડ્રોન હુમલો
રોઇટર્સના અહેવાલ મુજબ, વિવાદિત અબ્યેઈ પ્રદેશના એક મુખ્ય બજારમાં સોમવારે બપોરના સમયે અચાનક ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં શરૂઆતમાં મૃતકોની સંખ્યા 73 નોંધાઈ હતી, જે મંગળવાર સુધીમાં કૂદકે ને ભૂસકે વધીને 153 પર પહોંચી ગઈ છે.
અબ્યેઈના કાર્યકારી માહિતી મંત્રી યોહાના અકોલ ન્ગોરે મંગળવારે સત્તાવાર નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આ ઘાતક હુમલામાં નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કોઈપણ પ્રત્યક્ષ પુરાવા આપ્યા વિના આ ડ્રોન હુમલા માટે સુદાની સેનાને જવાબદાર ઠેરવી છે. બીજી તરફ, સુદાની સશસ્ત્ર દળોના પ્રવક્તા દ્વારા આ આરોપો અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા કે ટિપ્પણી આપવામાં આવી નથી. જોકે, રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બજારમાં આવેલા એક ઈંધણના ડેપોને નિશાન બનાવીને આ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેના લીધે ભયાનક ધડાકો થયો હતો અને જાનહાનિનો આંકડો વધી ગયો હતો.
માલીમાં ISIS નો બર્બરતાપૂર્ણ હુમલો
બીજી તરફ, એસોસિએટેડ પ્રેસ (AP) ના રિપોર્ટ મુજબ, પશ્ચિમ આફ્રિકાના દેશ માલીના પૂર્વીય મેનાકા પ્રદેશમાં સપ્તાહના અંતે આતંકવાદીઓએ ભારે રક્તપાત સર્જ્યો હતો. એક સ્થાનિક ધારાસભ્યએ મંગળવારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલા આતંકવાદીઓએ નાગરિકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો, જેમાં ૪૮ લોકોના મોત નીપજ્યાં છે. મૃતકોમાં અસહાય બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે.
આ અમાનવીય કૃત્ય પાછળ આતંકવાદીઓએ એવો આરોપ લગાવ્યો હતો કે આ સ્થાનિક નાગરિકોએ માલીની સેનાને ISIS ના આતંકી ઠેકાણાઓ અંગે ગુપ્ત માહિતી પૂરી પાડી હતી, જેના આધારે સેનાએ બાદમાં આતંકીઓ વિરુદ્ધ ડ્રોન હુમલા કર્યા હતા. આ શંકાના આધારે જ કાયર આતંકવાદીઓએ નિર્દોષ ગ્રામજનો પર હુમલો કરીને તેમની નિર્મમ હત્યા કરી નાખી હતી.
