FSSAIનો કડક નિર્ણય: ખાદ્ય ઉત્પાદન-હેલ્થ સપ્લિમેન્ટમાં અશ્વગંધાના પાનના ઉપયોગ પર પ્રતિબંધ

FSSAI દ્વારા માત્ર અશ્વગંધાના મૂળના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 21 Apr 2026 12:20 PM (IST)Updated: Tue, 21 Apr 2026 12:20 PM (IST)
ashwagandha-leaves-ban-fssai-health-supplement-guidelines
HIGHLIGHTS
  • અશ્વગંધાના પાનના ઉપયોગ પર પ્રતિબંધ
  • FSSAI દ્વારા કડક એડવાઈઝરી જાહેર
  • ખાદ્ય ઉત્પાદન-હેલ્થ સપ્લિમેન્ટ માટે ખાસ

FSSAI Ashwagandha ban: ભારતીય ખાદ્ય સલામતી અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ગત 16 એપ્રિલના રોજ એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ નવા નિર્દેશ મુજબ, હેલ્થ સપ્લિમેન્ટ, ન્યુટ્રાસ્યુટીકલ્સ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોમાં અશ્વગંધા (Withania somnifera) ના પાન અથવા તેના અર્કના ઉપયોગ પર કડક મનાઈ ફરમાવવામાં આવી છે.

માત્ર અશ્વગંધાના મૂળના ઉપયોગને મંજૂરી

FSSAI ના 2016 ના રેગ્યુલેશન્સના શેડ્યૂલ IV ની જોગવાઈ મુજબ, આવા ઉત્પાદનોમાં અશ્વગંધાના માત્ર મૂળ (roots) અને તેના અર્કનો જ ઉપયોગ માન્ય છે.

તાજેતરમાં FSSAI ઓથોરિટીના ધ્યાનમાં આવ્યું કે, કેટલાક ઉત્પાદકો પોતાના પ્રોડક્ટ્સમાં ગેરકાયદેસર રીતે અશ્વગંધાના પાન અને તેના અર્કનો ઉપયોગ કરી રહ્યા હતા. આ બાબતને ગંભીરતાથી લેતા FSSAI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અશ્વગંધાના પાનનો કાચા સ્વરૂપે, અર્ક તરીકે કે અન્ય કોઈપણ સ્વરૂપે ઉપયોગ કરવાની મંજૂરી નથી.

આયુષ મંત્રાલયનો પણ કડક નિર્દેશ

આ બાબતે માત્ર FSSAI જ નહીં પરંતુ ભારત સરકારના આયુષ મંત્રાલયે (Ministry of Ayush) પણ 15 એપ્રિલના રોજ એક પત્ર જારી કરીને આયુષ દવાઓ અને ઉત્પાદનો બનાવતી કંપનીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. આ નિર્દેશ મુજબ, તમામ આયુષ ઉત્પાદકોએ ફરજિયાતપણે માત્ર અશ્વગંધાના મૂળ અથવા તેના અર્કનો જ ઉપયોગ કરવાનો રહેશે, કોઈપણ સ્વરૂપે પાનનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવો પડશે.

FSSAIની કડક ચેતવણી અને કાર્યવાહી

FSSAI એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (કમ્પ્લાયન્સ સ્ટ્રેટેજી) ડો. અમિત શર્મા દ્વારા જારી કરાયેલ આ પત્રમાં તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. જો કોઈપણ ઉત્પાદક આ નિયમનું ઉલ્લંઘન કરતું જણાશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 અને તેના નિયમો અંતર્ગત તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ફૂડ સેફ્ટી કમિશનરો તેમજ FSSAI રિજનલ ડિરેક્ટરોને આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ આ જોગવાઈઓના અમલીકરણ માટે કડક દેખરેખ રાખે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ પકડાય તો તાત્કાલિક પગલાં ભરે.