વેરાવળ બંદરના ફિંગર જેટી વિસ્તારમાં ભીષણ આગ, 10 દંગા અને બે છકડો રિક્ષા બળીને નુકસાનગ્રસ્ત

ગીર સોમનાથના વેરાવળ બંદરના ફિંગર જેટી વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગતાં 10 દંગા અને 2 છકડો રિક્ષા બળીને ખાખ થઈ. ફાયર વિભાગે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 23 Oct 2026 11:05 AM (IST)Updated: Fri, 23 Oct 2026 11:05 AM (IST)
veraval-port-fire-10-boats-2-rickshaws-damaged-at-jetty

Veraval Port Fire News: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર વિસ્તારમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. બંદરના ફિંગર જેટી વિસ્તારમાં સવારે આશરે 5:30 વાગ્યાના સુમારે મચ્છીના કાંટાના સ્ટોરેજમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તેની ઝપેટમાં આશરે 10 દંગા અને બે છકડો રિક્ષા આવી ગયાં હતાં. આગના કારણે દંગા અને રિક્ષાઓને નુકસાન પહોંચ્યું હતું. બંદર વિસ્તારમાં આગની ઘટનાને પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી

ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા મીની ફાયર ટેન્કર અને વોટર બ્રાઉઝરની મદદથી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોની અંદાજે એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, આગના કારણે સ્ટોરેજ વિસ્તારમાં રહેલા દંગા અને છકડો રિક્ષાઓને નુકસાન થતાં આર્થિક નુકસાન થયું હતું.

આગ લાગવાનું કારણ અકબંધ

હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગ શા માટે અને કેવી રીતે લાગી તે અંગેની વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.આમ, વહેલી સવારે વેરાવળ બંદરના ફિંગર જેટી વિસ્તારમાં લાગેલી આગની ઘટનામાં ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.