Veraval News: વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે પ્રસ્તાવિત કોરિડોર પ્રોજેક્ટને લઈને સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે, ત્યારે ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ આ પ્રોજેક્ટને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તેમણે સ્થાનિક નેતાઓ પર ગંભીર આરોપો મૂકી, કોડીનારથી 5 હજાર યુવાનો સાથે કોરિડોરના સમર્થનમાં પદયાત્રાની જાહેરાત કરી છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવનું મંદિર વિશ્વ હિન્દુ સનાતનનું ગૌરવ છે અને તેનો વિકાસ થવો અત્યંત જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ સોમનાથના ગૌરવ માટે અત્યંત મહત્વનો છે. તેમણે સ્થાનિક લોકોને અપીલ કરી હતી કે, તેઓ આ વિકાસ પ્રક્રિયામાં સહભાગી બને. જમીન સંપાદનના મુદ્દે તેમણે અસરગ્રસ્ત લોકોને ખાતરી આપી હતી કે તેમને અને તેમની ટીમને યોગ્ય વળતર મળે તે માટે તેઓ તેમની સાથે છે.
સોલંકીએ આંદોલનકારી સ્થાનિક નેતાઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં આંદોલન કરી રહેલા નેતાઓ તેમનું કાર્ય આ ત્રીજી વખત કરી રહ્યા છે. તેઓ પોતાના અંગત સ્વાર્થ માટે લોકોને ભડકાવે છે. તેમણે આરોપ લગાવ્યો કે આંદોલનકારી નેતાઓ પોતાની મિલકત અને નેતાગીરી બચાવવા માટે વિરોધ કરી રહ્યા છે. ભૂતકાળમાં પ્રભાસ પાટણમાં પણ દેવભૂમિ દ્વારકાના ગરીબોના મકાનો તોડાવ્યા હતા ત્યારે આ નેતાઓ ક્યાં હતા, તેવા સવાલો પણ તેમણે ઉઠાવ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ કોરિડોરના સમર્થનમાં સમગ્ર ગુજરાત અને આજુબાજુના વિસ્તારોના લોકો છે. તેમણે કોડીનારથી 5 હજાર યુવાનો સાથે પદયાત્રા કરીને કોરિડોરને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સોમનાથને ફરી સુવર્ણયુગમાં લઈ જવાના આ પ્રોજેક્ટમાં જો કોઈ પણ અવરોધરૂપ બનશે, તો તેને પહેલા અમારા સામનો કરવો પડશે.
