Veraval News: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં દીપડાના હુમલાનો બનાવ સામે આવ્યો છે. સુત્રાપાડાના મોરાસામાં દીપડાએ ઘરની બહાર હાથ ધોઇ રહેલી ત્રણ વર્ષીય બાળકી પર હુમલો કર્યો હતો અને ઉઠાવીને ઝાળીમાં લઇ ગયો હતો. આજે સવાર બાળકીના કપડાં અને મૃતદેહના અવશેષો મળ્યા હતા. બનાવના પગલે ગ્રામજનો અને પંથકમાં ભય ફેલાયો છે. બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગઇકાલે રાત્રીના સમયે ખેતમજૂરી કરતા રમેશભાઇ પાલાભાઈ ચાવડાની ત્રણ વર્ષીય દીકરી કુંદના ઘરના ફળિયામાં હાથ ધોવા માટે ગઇ હતી. ઘરના સભ્યો અંદર હતા ત્યારે અચાનક દીપડો આવ્યો હતો અને બાળકીને ઉઠાવીને ઝાળી વિસ્તારમાં ભાગી ગયો હતો. દીપડાએ બાળકી પર હુમલો કર્યાની જાણ થતાં ઘરના સભ્યો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ કોઇ ભાળ મળી ન હતી.
બાળકીના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા રાત્રે શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળકી નહીં મળી આવતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ દ્વારા શોધખોળ હાથ ધર્યા બાદ આજે સવારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળ્યા હતા. બનાવના પગલે ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. જે વિસ્તારમાં દીપડો દેખાયો છે ત્યાં પાંચ જેટલા પાંજરા લગાવવામાં આવ્યા છે. બાળકીને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
