Somnath Temple Video: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના આકાશમાં ભારતીય સેનાનો શાનદાર નજારો, એરક્રાફ્ટથી કરાઈ પુષ્પવર્ષા

આકાશમાં એરક્રાફ્ટની ગર્જના અને મંદિર પરિસર ઉપર થયેલી પુષ્પવર્ષાના દૃશ્યોએ ઉપસ્થિત લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 18 Nov 2026 04:53 PM (IST)Updated: Wed, 18 Nov 2026 04:53 PM (IST)
veraval-news-indian-army-showers-flowers-over-somnath-mahadev-temple-show-video

Veraval News: ગુજરાતના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર ભારતીય સેનાના એરક્રાફ્ટ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતાં ભક્તિ અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભારતીય સેનાના સાહસિક હવાઈ અભિયાન 'વિંગ્સ ઓફ વેલોર એન્ડ યુનિટી એક્સપેડિશન' અંતર્ગત સવારના સમયે સોમનાથ મંદિર પરિસર ઉપર ભવ્ય ફ્લાયપાસ્ટ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન એરક્રાફ્ટ દ્વારા પુષ્પવર્ષા કરી સોમનાથ મહાદેવને અનોખી સલામી અર્પણ કરવામાં આવી હતી.

પુષ્પવર્ષાના દૃશ્યોએ ભારે આકર્ષણ જગાવ્યું

ગુજરાતના દરિયાકાંઠા પરથી ઉડાન ભરી ભારતીય સેનાની ટીમે આ સાહસિક હવાઈ અભિયાનનું પ્રદર્શન કર્યું હતું. આકાશમાં એરક્રાફ્ટની ગર્જના અને મંદિર પરિસર ઉપર થયેલી પુષ્પવર્ષાના દૃશ્યોએ ઉપસ્થિત લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. દેશની સુરક્ષા માટે સમર્પિત ભારતીય સેનાના જવાનો દ્વારા ધાર્મિક અને ઐતિહાસિક ધરોહરને આપવામાં આવેલી આ અનોખી સલામીએ રાષ્ટ્રગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાની ટીમ 'માઉન્ટેન ઈગલ્સ' દ્વારા 14 નવેમ્બર, 2026ના રોજ મધ્યપ્રદેશના મહુ ખાતેથી આશરે 3,200 કિલોમીટરની સફર ખેડવાના ઉદ્દેશ સાથે આ સાહસિક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનના રૂટમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય ગૌરવની ભાવના પ્રજ્વલિત કરવાનો પ્રયાસ

અભિયાનના ભાગરૂપે ભારતીય સેનાની ટીમ અમરેલીથી દીવ, ત્યારબાદ ઐતિહાસિક સોમનાથ મંદિર અને કેશોદ થઈને જામનગર પહોંચશે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન વિવિધ સ્થળોએ હવાઈ પ્રદર્શન અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના પ્રજ્વલિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર હવાઈ સાહસનું પ્રદર્શન કરવાનો નથી, પરંતુ દેશના નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, દેશભક્તિ અને સાહસની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પણ છે. દેશની વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોને એક અભિયાનના માધ્યમથી જોડવાનો આ પ્રયાસ ભારતીય સેનાની રાષ્ટ્રપ્રતિ સમર્પણની ભાવનાને ઉજાગર કરે છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભારતીય સેનાના એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવેલી પુષ્પવર્ષાએ આ અભિયાનને વિશેષ યાદગાર બનાવ્યું હતું. આકાશમાંથી વરસતાં પુષ્પો અને ભારતીય સેનાના શૌર્યનું પ્રતીક બનેલા ફ્લાયપાસ્ટે ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંદેશ આપ્યો હતો.