વૈશ્વિક બજારમાં ભારતનાં સી ફૂડનો દબદબો: રુ. 6000 કરોડના સી ફૂડ નિકાસ સાથે 'ગુજરાત'નો રેકોર્ડ; વેરાવળ બંદર બન્યું નિકાસનું હબ

ભારતના સી ફૂડ નિકાસમાં ગુજરાત અને ખાસ કરીને વેરાવળ બંદરનો મોટો ફાળો રહ્યો છે. સરકારી આંકડા અનુસાર ભારતની કુલ ₹72,315 કરોડની નિકાસમાં ગુજરાતનો હિસ્સો ₹6,000 કરોડ રહ્યો છે

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 04 May 2026 12:14 PM (IST)Updated: Mon, 04 May 2026 12:20 PM (IST)
veraval-news-gujarat-veraval-port-sea-food-export-record-6000-crore-china-europe-demand

Gir Somnath News: સૌરાષ્ટ્રનો દરિયા કિનારે મત્સ્ય ઉદ્યોગ ખૂબ જ સમૃદ્ધ છે. સૌરાષ્ટ્રનાં અને ભારતનાં દરિયામાંથી નીકળતા સી ફૂડની માંગ પૂરી દુનિયામાં રહે છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના બંદરોમાં વેરાવળ ખૂબ જ મોખરાનું સ્થાન ધરાવે છે. સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર સંપૂર્ણ દેશમાંથી રુ.72 હજાર કરોડ સી ફૂડની નિકાસ થઈ છે. જેમાં ગુજરાત અને વેરાવળનો મોટો હિસ્સો સામેલ છે. વેરાવળમાં 100 થી વધુ એક્સપોર્ટ યુનિટ સક્રિય છે. ગુજરાતે અંદાજે 6 હજાર કરોડના સી ફૂડની નિકાસ કરેલી છે.

સી ફૂડ નિકાસમાં ગુજરાત અને વેરાવળનો ફાળો

સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી નરેશ ગોહેલના જણાવ્યા મુજબ, ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા વર્ષ 2025-26ના આંકડા મુજબ, ભારતમાંથી કુલ રુપિયા 72,315 કરોડના અંદાજે 19.32 લાખ મેટ્રિક ટન સી ફૂડની નિકાસ કરવામાં આવી છે. જેમાં ગુજરાતનો મોટો ફાળો રહેલો છે. જેમાં ગુજરાતના મોટા બંદરો પૈકી વેરાવળનો ઘણો મોટો હિસ્સો સામેલ છે.

દેશવિદેશમાં ભારતના સી ફૂડની ડિમાન્ડ

સરકારી આંકડાઓ પ્રમાણે ગુજરાતમાંથી જ અંદાજે રુ.6 હજાર કરોડની નિકાસ થઈ છે. વેરાવળમાં જ 100થી વધુ એક્સપોર્ટ યુનિટ્સ કાર્યરત છે. ભારત અને ગુજરાતમાંથી નિકાસિત સી ફૂડનો મોટો જથ્થો ચાઈના અને યુરોપના દેશોમાં થાય છે. ચાઈના અને યુરોપમાં મોટા ભાગે કટલ ફિશ, રિબન ફિશ અને નર્સિંગા માછલીના મોટી ડિમાન્ડ રહે છે. જ્યારે વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશોમાં બંગડા માછલીની મોટી ડિમાન્ડ રહે છે.

મિડલ ઈસ્ટ યુદ્ધની નિકાસ પર અસર

દેશ વિદેશમાં સી ફૂડની મોટી માંગ રહેતી હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાને લેતાં સી ફૂડ પર મોટી અસર વર્તાઈ રહી છે, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની વત્તે ઓછી અસર એક્સપોર્ટ ઉદ્યોગ પર અસર પડી રહી છે. વેરાવળથી મોટે ભાગે સી ફુડનો એક્સપોર્ટ પીપાવાવ,મુન્દ્રા અને કંડલાથી કરવામાં આવે છે. સી ફુડ ભરેલું એક કન્ટેન્ટ અંદાજે 25થી 27 ટન રહેલું હોય છે. આ કન્ટેનરને પીપાવાવ સુધી પહોચાડવા રુ.23થી 25 હજારનો ખર્ચ થાય છે. જ્યારે વિદેશમાં કન્ટેનર મોકલવાનો ખર્ચ 2 હજારથી 5 હજાર ડોલર સુધીનો થતો હોય છે.