Veraval News: દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ, જૂનાગઢ જેલમાં મોકલાશે; જામીન અંગે વેરાવળ કોર્ટમાં કાલે સુનાવણી

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રુવરાજસિંહ ચૌહાણ પર કરવામાં આવેલા હુમલા કેસમાં સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં દેવાયત ખવડ અને અન્ય આરોપીઓને તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 17 Sep 2025 04:48 PM (IST)Updated: Wed, 17 Sep 2025 04:51 PM (IST)
veraval-news-devayat-khavad-remand-ends-to-be-shifted-to-junagadh-jail

Veraval News: અમદાવાદના સનાથલના યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર કરવામાં આવેલા હુમલા કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના રિમાન્ડ આજે પૂર્ણ થયા છે. આરોપીઓને તાલાલા કોર્ટ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં રિમાન્ડ અંગે કોઇ અરજી કરવામાં ન આવતા હવે આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલવામાં આવશે. સાથેજ આરોપીઓ દ્વારા કરવામાં આવેલી જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. જે અંગે કાલે વેરાવળ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

રિમાન્ડ પૂર્ણ થતાં જૂનાગઢ જેલમાં મોકલાશે

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રુવરાજસિંહ ચૌહાણ પર કરવામાં આવેલા હુમલા કેસમાં સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં દેવાયત ખવડ અને અન્ય આરોપીઓને તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં તાલાલ પોલીસ દ્વારા રિમાન્ડ લંબાવવા અંગે કોઇ અરજી કરવામાં આવી ન હતી. જેથી કોર્ટે ખવડ સહિત તમામ આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત દેવાયત ખવડ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પણ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

જામીન અંગે વેરાવળ કોર્ટમાં કાલે સુનાવણી

સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું કે, દેવાયત ખવડ સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંબંધે આરોપીઓનો રિમાન્ડ આજ રોજ સવારે 11 વાગ્યે પૂર્ણ થયો હતો. રિમાન્ડ અવધિ પૂર્ણ થતાં, તમામ આરોપીઓને તાલાલાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તાલાલાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તેઓને જૂનાગઢ જેલ હવાલે કરવાનો એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો છે. તેમની જામીન અરજી વેરાવળ સેશન કોર્ટમાં દાખલ કરાઈ હોવાની નોટિસ પણ અમને સંબંધિત કોર્ટ તરફથી મળી છે. આ કેસમાં જામીન અરજીની સુનાવણી આવતી કાલે, તારીખ 18મીના રોજ હાથ ધરાશે અને ત્યારબાદ નામદાર કોર્ટ તે અંગે નિર્ણય કરશે.

શું હતી સમગ્ર ઘટના

ઉલ્લેખનીય છેકે, થોડા સમય પહેલા લોકગાયક દેવાયત ખવડ અને તેના સાથીઓ દ્વારા અમદાવાદના સનાથલના ધ્રુવરાજસિંહ નામના યુવક પર તાલાલા ગીર પંથકમાં હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ દેવાયત ખવડની સુરેન્દ્રનગરના દુધઇમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ માટે એસપી કચેરી લઇ જવામાં આવ્યો હતો. દેવાયત ખવડ દ્વારા જામીન અરજી કરવામાં આવતા નીચલી અદાલત દ્વારા તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જેની સામે તાલાલા પોલીસે વેરાવળ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને જામીન રદ કરવામાં આવ્યા હતા. તેમજ 17 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.