વેરાવળમાં ધોળા દિવસે માથે ગોળી ધરબી હત્યા કરાઈ, ગીર સોમનાથ LCBની ટીમે આરોપીઓને નાકાબંધી કરી ઝડપી પાડ્યા

ગીર સોમનાથના વેરાવળમાં આઈ.ડી. ચૌહાણ સ્કૂલ પાસે મૌલાના સહિત 4 શખ્સોએ જાવેદ તાજવાની પર ફાયરિંગ કર્યું. LCB પોલીસે નાકાબંધી કરી આરોપીઓને દબોચ્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 21 May 2026 04:36 PM (IST)Updated: Thu, 21 May 2026 04:36 PM (IST)
veraval-firing-case-turk-samaj-president-murder-gir-somnath-lcb

Gir Somnath news: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે ફાયરિંગની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આવેલી આઈ.ડી. ચૌહાણ સ્કૂલ પાસે બપોરે અંદાજે 1 વાગ્યે મૌલાના સહિત 4 લોકોએ તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની ઉર્ફે જાવેદ વાંદરી પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં એક ગોળી તેમના માથાના ભાગે વાગતા તેઓ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા.

વેરાવળમાં ધોળા દિવસે હત્યા

વેરાવળમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતા. જ્યા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. આ હુમલામાં જાવેદના ભત્રીજો પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસે ફારૂક મૌલાના તેનો પુત્ર, ડ્રાઇવર સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને ચારેય શખ્સોને જિલ્લામાં નાકાબંધી કરી ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પી.આઈ. જે.એન.ગઢવીએ જણાવ્યું કે, વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં સાજીદ હારુનભાઈ વલીભાઈ હાલા તુર્કે એક ફરિયાદ નોંધાવી છે.

ભોગ બનનાર પર ફાયરિંગ કરાયું

ફરિયાદની વિગત એવી છે કે, તેમના સંબંધી જાવિદભાઈ, સોમનાથ ટોકીઝ વિસ્તારની અંદર આવેલી આઈ.ડી. ચૌહાણ સ્કૂલ આગળ ભેગા થયા હતા. તે દરમિયાન, આ ગુનાના કુલ ચાર આરોપીઓ ફારુક મૌલાના, જાવેદ મૌલાના, ફારુક મોલાનાનો ડ્રાઈવર અનીસ અને જાવેદ મોલાનાનો મિત્ર કાલીયો બાલિ નામના શખ્સો કોઈ ધંધાકીય અદાવત બાબતે બોલાચાલી કરી હતી. તેના અનુસંધાને આ ફારુક મોલાનાએ હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું. જેમાં ભોગ બનનાર જાવિદભાઈ ઉર્ફે જાવેદના માથાના ભાગમાં ગોળી વાગી હતી.

ભોગ બનનારનું મોત થતા હત્યાનો ગુનો દાખલ

પોલીસે સૌપ્રથમ ગુનો દાખલ કર્યો ત્યારે ’હત્યાની કોશિશ’ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પરંતુ ત્યારબાદ સારવાર દરમિયાન આ જાવેદનું મૃત્યુ થયું છે, એટલે હવે આ કેસમાં હત્યાની કલમ ( 302/હત્યાનો ગુનો) ઉમેરવાની કાર્યવાહી શરુ કરાઈ છે. પ્રાથમિક વિગત મુજબ, મૃતક પર એક રાઉન્ડ ફાયરિંગ કરતા માથાના ભાગે ગોળી વાગી છે. આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે તાત્કાલિક નાકાબંધી કરીને આરોપીઓની શોધખોળ કરવા માટે 4 થી 5 ટીમો કાર્યરત કરી હતી.

વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ અધિક્ષકે ટીમની રચના કરીને ટીમમા જોડાયા હતા. વિસ્તારમાં શાંતિ જળવાય માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ફાયરિંગના સમાચાર શહેરમાં વાયુવેગે ફેલાતા જ હોસ્પિટલ ખાતે તુરક સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.