Rajal Barot Net Worth, Una Municipality Election 2026: ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ભાજપે આ વખતે ગ્લેમરનો તડકો લગાવ્યો છે. ગુજરાતના જાણીતા દિવંગત લોકગાયક મણીરાજ બારોટની પુત્રી અને લોકપ્રિય ગાયિકા રાજલ બારોટ (રાજલ અલ્પેશભાઈ બાંભણીયા) હવે સૂર અને સંગીતના મંચ બાદ રાજકીય મેદાનમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે.
ઉના નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઉનાની પુત્રવધૂ રાજલ બારોટ પર વિશ્વાસ મૂકીને તેમને ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ઉમેદવાર બનાવ્યા છે. રાજલ બારોટના પતિ અલ્પેશ બાંભણિયા ઉના કોળી સમાજના આગેવાન અને ઉના નગરપાલિકાના પૂર્વ નગરસેવક રહી ચૂક્યા છે. ભાજપે રાજલ બારોટને 'સેલિબ્રિટી ફેસ' તરીકે મેદાનમાં ઉતારીને ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે.
કરોડોની સંપત્તિના માલિક છે રાજલ બારોટ
રાજલ બારોટ સ્થાનિક ચૂંટણીના એક હાઈ-પ્રોફાઇલ અને સૌથી ધનિક ઉમેદવારો પૈકીના એક છે. ચૂંટણી ફોર્મ સાથે રજૂ કરાયેલા સોગંદનામા મુજબ રાજલ બારોટ અને તેમના પતિ સંયુક્ત રીતે રોકડ, બેંક બેલેન્સ અને જ્વેલરી મળીને કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે.
- રોકડ અને બેંક બેલેન્સ: રાજલ બારોટ પાસે રૂ. 2 લાખ રોકડા અને 8,10,871 રૂપિયાની બેંક FD છે. વધુમાં, તેમના નામે 2.50 લાખ રૂપિયાની પોલિસી છે.
- દાગીના અને વાહન: તેમની પાસે 21 લાખ રૂપિયાની કિંમતના 15 તોલા ઘરેણાં અને રૂ. 17 લાખ કિંમતની XUV 700 કાર છે.
- સ્થાવર મિલકત: તેમના પતિ અલ્પેશ બાંભણિયા પાસે ઉના તાલુકામાં 3 અલગ-અલગ જગ્યાએ કુલ 1.40 કરોડ રૂપિયાની જમીન છે. આ ઉપરાંત, રાજલ બારોટ પાસે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે 70 લાખ રૂપિયાનો 3BHK ફ્લેટ અને ઉનામાં પણ એક મકાન છે.
ઉના પંથકમાં લોકગાયિકા તરીકે રાજલ બારોટ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે. ગાયકીના ક્ષેત્રમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ, ભાજપે તેમને 'સેલિબ્રિટી ફેસ' તરીકે ટિકિટ આપી છે. હવે, રાજકીય મેદાનમાં આ સેલિબ્રિટી ચહેરાને જનતાનું કેવું સમર્થન મળે છે તે જાણવું રસપ્રદ રહેશે.
