સોમનાથ મંદિરે ભક્તિનો મહાસાગર: શ્રાવણ માસ અને તહેવારોમાં 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, ધ્વજારોહણનો નવો રેકોર્ડ

સોમનાથ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન 22.61 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. 1109 ધ્વજપૂજા સાથે 75 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જ્યારે 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞમાં 11.17 લાખથી વધુ આહુતિ અપાઈ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 13 Sep 2026 08:59 AM (IST)Updated: Sun, 13 Sep 2026 08:59 AM (IST)
somnath-temple-22-61-lakh-devotees-1109-flag-hoisting-shravan-month-record

Somnath Temple: ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બિરાજમાન પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિ અને શ્રદ્ધાનો નવો ઈતિહાસ રચાયો છે. છેલ્લા 75 વર્ષના સોમનાથ મંદિરના ઈતિહાસમાં સૌથી વધારે 1109 ધ્વજપૂજા સાથે સોમનાથ મંદિરે નવો વિક્રમ સર્જ્યો છે. શ્રાવણ મહિનામાં 22.61 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

સોમનાથ મંદિરમાં 1109 ધ્વજારોહણ કરાયું

પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિરમાં પૂર્ણિમા, સાતમ આઠમ, જન્માષ્ટમી, માસિક શિવરાત્રિ અને અમાસ જેવા ધાર્મિક તહેવારો પર ભક્તોએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. મંદિરમાં છેલ્લા 75 વર્ષમાં સૌથી વધારે 1109 ધ્વજારોહણ અને પૂજા સંપન્ન થઈ હતી. તેમજ શ્રાવણ માસમાં ભક્તોની સંખ્યા પૂજા કર્મ, એકાવન કુંડી મહામૃત્યુંજય યજ્ઞ જેવા અસાધારણ માપદંડોને લીધે અનોખો ઈતિહાસ રચાયો હતો. સોમનાથ મંદિરના ઇતિહાસમાં 8775 રુદ્રાભિષેક પાઠ, 1394 સોમેશ્વર પૂજાઓ સંપન્ન થઈ હતી.

51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું વિશેષ આયોજન

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ વાર 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞ માટે ગીર સોમનાથ જિલ્લાના 19,700 જેટલા ગ્રામીણ ભક્તો અને ગોપાલકોએ દાનમાં 51 હજારથી વધારે છાણા અર્પિત કર્યા હતા. સમગ્ર ભારત દેશ અને ગુજરાતમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ પવિત્ર યજ્ઞકુંડમાં 11.17 લાખથી વધુ આહુતિઓ અર્પણ કરીને અસાધારણ વિક્રમ સ્થાપિત કર્યો છે.

જન્માષ્ટમી પર્વે 1.72 લાખ દર્શનાર્થીઓ ઉમટ્યા

મંદિરમાં 43.43 લાખ મહામૃત્યુંજય જાપ અને 38 લાખ સંપુટ મહામૃત્યુંજય જાપ પૂર્ણ કરવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું. પહેલા સવારે 1,64,166 શ્રદ્ધાળુઓ, બીજા સોમવારે 1,42,010, ત્રીજા સોમવારે 87,371 અને ચોથા સોમવારે 1,66,802 ભક્તજનોએ ભગવાન શિવજીના દર્શન કર્યા હતા. પરંતુ જન્માષ્ટમી પર્વ પર સૌથી વધારે 1,72,755 જેટલા દર્શનાર્થીઓએ ઉમટ્યા હતા.