Somnath Online Pujan: પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આ વર્ષે દીપાવલીનો તહેવાર માત્ર ભૌતિક સીમાઓમાં સીમિત ન રહેતા વૈશ્વિક સ્તરે ઊજવાયો હતો. અશ્વિન કૃષ્ણ અમાવસ્યા અને દીપાવલીના પવિત્ર અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત ડિજિટલ ગણેશ-લક્ષ્મી પૂજન, ચોપડા પૂજને દેશ-વિદેશના શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થા જગાડી હતી. આધુનિક ટેક્નોલોજીના માધ્યમે ઘરથી દૂર બેઠેલા લાખો ભક્તોને પ્રથમ જ્યોતિર્લિંગ સાથે સીધા આધ્યાત્મિક તાંતણે બાંધી દીધા હતા.
અધ્યાત્મ અને આધુનિક ટેક્નોલોજીનો અદ્ભુત સમન્વય
આજના ડિજિટલ યુગમાં પરંપરાગત ધાર્મિક મૂલ્યોને જાળવી રાખવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટે એક નવતર ક્રાંતિ સર્જી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વસુધૈવ કુટુંબકમ્'ના પ્રેરણાદાયી વિઝનથી પ્રેરિત થઈને ટ્રસ્ટ છેલ્લા કેટલાક વર્ષોથી આધુનિક ટેક્નોલોજી દ્વારા ભક્તોને ઉત્તમ ધાર્મિક અનુભૂતિ કરાવવા માટે કટિબદ્ધ છે. આ વર્ષે પણ પૂર્વ નોંધણી કરાવનાર હજારો પરિવારોએ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર જોડાઈને સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સામૂહિક લક્ષ્મી પૂજનનો લાભ લીધો હતો.
દેશનાં 21 રાજ્યો અને અમેરિકા સુધી વિસ્તર્યો આસ્થાનો વ્યાપ
શ્રી સોમનાથ ટ્રસ્ટના આ ડિજિટલ ધાર્મિક આયોજનને દેશ અને દુનિયામાંથી અપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. ઓનલાઇન પૂજન માટે ઉત્સાહભેર નોંધણી કરનાર શ્રદ્ધાળુઓમાં ભારતનાં 21 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવારો સામેલ હતા.
દેશના આ ખૂણે-ખૂણેથી ભક્તો જોડાયા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીર સહિતના વિવિધ રાજ્યોના શ્રદ્ધાળુઓ આ પવિત્ર યજ્ઞમાં સહભાગી બન્યા હતા.
માત્ર ભારતમાં જ નહીં, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના વર્જિનિયા રાજ્યમાંથી પણ ભક્ત પરિવારોએ ઓનલાઇન માધ્યમથી આ પૂજનમાં ભાગ લઈને સોમનાથ સાથેના પોતાના ગાઢ આધ્યાત્મિક સંબંધોની પ્રતીતિ કરાવવી હતી.
રોજગાર, ઉચ્ચ અભ્યાસ કે વ્યવસાય અર્થે પોતાના વતન અને પરિવારથી દૂર મહાનગરો કે વિદેશોમાં વસતા યુવાનો અને પરિવારો માટે આ ઓનલાઇન પૂજન સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવવાનું ઉત્તમ માધ્યમ સાબિત થયું હતું.
સોમનાથના વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સંપન્ન
આ વર્ચ્યુઅલ મહાપૂજા દરમિયાન સોમનાથ મંદિરના વિદ્વાન શાસ્ત્રીઓ અને પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. પૂજન વિધિમાં વિશેષરૂપે શ્રી યંત્ર, માં લક્ષ્મી, શ્રી ગણેશ, પેન, હળદર અને મગનું પૂજન કરાયું હતું.
આ સાથે જ, ઓનલાઇન જોડાયેલા યજમાનોના વ્યાપાર-ધંધાની ઉન્નતિ માટે તેમના રોજમેળનું પણ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું.
નવા વિક્રમ સંવત વર્ષ 2083માં દેશ અને દુનિયાના તમામ ભક્તોના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઉત્તરોત્તર પ્રગતિ અને સ્થિર લક્ષ્મીનો વાસ થાય તેવી મંગલ કામના સાથે મહાદેવને પ્રાર્થના કરાઈ હતી.
અભિમંત્રિત પ્રસાદી સીધી ભક્તોના ઘર સુધી
ઓનલાઇન પૂજનમાં યજમાન બનેલા શ્રદ્ધાળુઓની આસ્થાનું માન રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પૂજન સંપન્ન થયા બાદ અભિમંત્રિત કરેલ શ્રી યંત્ર, પૂજન કરેલ રોજમેળ, રક્ષાસૂત્ર, પવિત્ર ભસ્મ અને રુદ્રાક્ષ સહિતની વિશેષ પ્રસાદી શ્રદ્ધાળુઓને ટપાલ તથા કુરિયર મારફતે તેમના ઘરના સરનામે મોકલી આપવામાં આવશે, જેથી દરેક ભક્ત પોતાના પરિવાર સાથે આ પ્રસાદીનો આનંદ માણી શકે.
યુવા પેઢી માટે આધ્યાત્મિક સધિયારો અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન
આજના દોડધામ ભરેલા અને ગતિશીલ યુગમાં, ખાસ કરીને મોટા શહેરોની ફ્લેટ કલ્ચરવાળી જીવનશૈલીમાં વસતી યુવા પેઢી પોતાની પૌરાણિક સંસ્કૃતિ, ધરોહર અને પરંપરાઓથી વિમુખ ન થાય તે માટે આ ડિજિટલ વ્યવસ્થા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. પરંપરાગત ધાર્મિક મૂલ્યોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને શ્રી સોમનાથ ટ્રસ્ટે ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવી છે.
આ અનોખી પહેલ એ સાબિત કરી દીધી છે કે જો શ્રદ્ધા સાચી હોય, તો ટેક્નોલોજી ભૌગોલિક અંતરોને મિટાવીને ભક્ત અને ઈશ્વરને એક જ સૂત્રમાં પરોવી શકે છે. સોમનાથ ટ્રસ્ટના આ ટેક્નોલોજી આધારિત અને લોકઉપયોગી અભિગમ બદલ દેશ-વિદેશના લાખો ભક્તોએ ટ્રસ્ટ પ્રત્યે અત્યંત આભારની અને ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી.
