Somnath Mandir Amrit Mahotsav 2026: ભારતના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે હાલમાં 'અમૃત મહોત્સવ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ હાજરી આપી હતી, જ્યાં તેમણે 11 પવિત્ર તીર્થસ્થળોના જળથી મંદિરનો 'કુંભાભિષેક' કર્યો હતો. પીએમ મોદીના ભવ્ય રોડ શો અને આ દૈવી મહોત્સવ બાદ સોમનાથ મંદિરની સમૃદ્ધિ અને તેના પર થયેલા આક્રમણોનો ઇતિહાસ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
17 વખત હુમલા અને અવિરત લૂંટનો ઇતિહાસ
શિવ પુરાણમાં ઉલ્લેખિત સોમનાથ મંદિર તેની અઢળક સંપત્તિ માટે જાણીતું હતું. ઇતિહાસકારોના મતે, આ મંદિર સોના, ચાંદી અને કિંમતી રત્નોથી મઢેલું હતું. આ જ સંપત્તિ આક્રમણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઇતિહાસ સાક્ષી છે કે સોમનાથ મંદિર પર 1 કે 2 વાર નહીં, પરંતુ કુલ 17 વખત આક્રમણ કરવામાં આવ્યું હતું અને દરેક વખતે તેને નિર્દયતાથી લૂંટવામાં આવ્યું હતું.
ગઝનીના મહમૂદનું ભયાનક આક્રમણ
સોમનાથ મંદિર પર સૌથી પહેલો અને મોટો હુમલો તુર્કી શાસક ગઝનીના મહમૂદે કર્યો હતો. વર્ષ 1026માં, જ્યારે રાજા ભીમ પ્રથમનું શાસન હતું, ત્યારે મહમૂદે મંદિર પર ચઢાઈ કરી વ્યાપક લૂંટફાટ ચલાવી હતી. આ હુમલા દરમિયાન પવિત્ર જ્યોતિર્લિંગને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
લૂંટાયેલા 6 ટન સોનાનું આજનું મૂલ્ય
પર્શિયન અને ભારતીય ઇતિહાસકારોના દસ્તાવેજો અનુસાર, ગઝનીના મહમૂદે સોમનાથમાંથી આશરે 2 કરોડથી 10 કરોડ સોનાના દિનારની સંપત્તિ લૂંટી હતી. આ લૂંટમાં અંદાજે 6 ટન (6,000 કિલોગ્રામ) શુદ્ધ સોનું હોવાનું મનાય છે. જો આ 6 ટન સોનાની વર્તમાન બજાર કિંમતનો અંદાજ લગાવવામાં આવે તો આ આંકડો કોઈને પણ ચોંકાવી દે એવો છે. હાલમાં 10 ગ્રામ સોનાનો ભાવ અંદાજે ₹1.50 લાખથી વધુ ચાલી રહ્યો છે. આ મુજબ, કુલ 6 ટન સોનાની કિંમત આશરે ₹9,000 કરોડ સુધી પહોંચી શકે છે.
મહત્વની વાત એ છે કે, આ ₹9,000 કરોડ તો માત્ર સોનાની કિંમત છે. આ સિવાય મંદિરમાંથી લૂંટાયેલા હીરા, ઝવેરાત અને અમૂલ્ય રત્નોની કિંમત ગણવામાં આવે તો તે અબજો ડોલરમાં પહોંચી શકે છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન સમયમાં સોમનાથ મંદિર ભારતની આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું કેટલું મોટું પ્રતીક હતું.
