Somnath Mahadev Temple: સૌરાષ્ટ્રના સોમનાથમાં વિરાજિત પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે પ્રભુની વિશેષ પૂજા-અર્ચના અને શ્રૃંગાર કરવામાં આવે છે, આજ રોજ 22 ઓગસ્ટ શનિવારે સોમનાથ મહાદેવના મધ્યાહ્ન શ્રૃંગાર દર્શનનો અદ્ભુત અને દિવ્ય નજારો જોવા મળ્યો હતો.
સોમનાથ દાદાના મધ્યાહ્નન શ્રૃંગારના દિવ્ય દર્શન
સોમનાથ દદાના જ્યોર્તિલિંગ સ્વરુપને અત્યંત નયનરમ્ય મુખારવિંદ, રાજસી મુગટ અને રંગબેરંગી વસ્ત્રોથી સુશોભિત કરવામાં આવ્યું છે. તેમજ શિવજીને પ્રિય એવા તાજા બિલિપત્રોની માળાઓ અને પીળા તથા નારંગી રંગના પુષ્પોથી સમગ્ર ગર્ભપત્ર અને જ્યોતિર્લિંગનો શ્રૃંગાર કરાયો છે.
મંદિરનો ગર્ભગૃહ સોનાની કલાત્મક કારીગરી અને ઓમ નમ: શિવાયના મંત્રોચ્ચાર વાળી સુવર્ણ પ્લેટોથી ઝળહળી રહ્યો છે. જ્યોતિર્લિંગની ઉપર રહેલું વિશાળ સુવર્ણ છત્ર ભગવાનની અલૌકિક સુંદરતામાં વધારો કરી રહ્યું છે. ગર્ભગૃહમાં બંને બાજુએ સ્થાપિત ત્રિશૂળ અને ડમરુ શિવશક્તિનો પવિત્ર સંદેશ આપે છે.
સોમનાથ મંદિરનું મહત્ત્વ
દેશના 12 સ્વયંભૂ જ્યોતિર્લિંગોમાં શ્રી સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોર્તિલિંગ ગણાય છે. અરબી સમુદ્રના કિનારે વિરાજમાન આ તીર્થધામ પ્રાચીન કાળથી આસ્થા, શ્રદ્ધા અને ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનનું પ્રતીક રહ્યું છે. શ્રાવણ માસમાં મહાદેવના આવા વિવિધ સ્વરૂપના શ્રૃંગાર દર્શન કરવા એ ભક્તો માટે અતિ પુણ્યદાયી માનવામાં આવે છે.
