Somnath Kodinar Highway Accident: ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ-કોડીનાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે માછલા ભરેલી બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક વિગતો અનુસાર, વહેલી સવારે માછલા ભરેલી એક ટ્રકમાં ટાયર ફાટતાં તેના ચાલકે વાહનને રોડની એક તરફ ઊભું રાખ્યું હતું. આ જ સમયે, પાછળથી પૂરઝડપે આવી રહેલી માછલા ભરેલી અન્ય એક ટ્રકે ઊભેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બંને વાહનોનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થયો હોવાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા.
સ્થાનિકો દ્વારા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અકસ્માતની આ ઘટનામાં બે લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડવા સહિત વધુ તપાસ હાથ ધરી છે.
