Somnath Amrit Mahotsav 2026: સોમનાથ મંદિરમાં 75 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ભવ્ય 'કુંભાભિષેક', જાણો તેનો અર્થ અને શા માટે ખાસ છે આ વિધિ?

Somnath Amrit Mahotsav 2026 Explained: આજે 11 મે, 2026ના રોજ સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થતા 'સોમનાથ અમૃત મહોત્સવ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 11 May 2026 11:18 AM (IST)Updated: Mon, 11 May 2026 12:38 PM (IST)
somnath-amrit-mahotsav-2026-kumbhabhishek-meaning-significance-pm-modi-visit

Somnath Amrit Mahotsav 2026 Explained: ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરે આજે એક નવો ઈતિહાસ રચાયો છે. 11 મે, 2026ના રોજ સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થતા 'સોમનાથ અમૃત મહોત્સવ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મંદિરના શિખર પર પ્રથમવાર 'કુંભાભિષેક' વિધિ કરી છે.

ઐતિહાસિક તારીખ અને અમૃત મહોત્સવ

11 મે એ સોમનાથ મંદિર માટે અત્યંત મહત્વની તારીખ છે, કારણ કે આ દિવસે જ ભગવાન શિવના આ પવિત્ર મંદિરનું પુનઃનિર્માણ પૂર્ણ થયું હતું. આજે આ ઐતિહાસિક ઘટનાને 75 વર્ષ પૂર્ણ થતા સમગ્ર પરિસરમાં ઉત્સાહનો માહોલ છે. વડાપ્રધાન મોદી આ પ્રસંગે ખાસ મહાપૂજા, ધ્વજવંદન અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોમાં સહભાગી થયા. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ દેશભરના 11 પવિત્ર તીર્થસ્થાનોમાંથી એકત્રિત કરવામાં આવેલા જળ દ્વારા કરવામાં આવેલ અભિષેક હતો.

શું છે 'કુંભાભિષેક' વિધિ?

'કુંભાભિષેકમ' શબ્દ બે સંસ્કૃત શબ્દોના મેળાપથી બન્યો છે: 'કુંભ' એટલે કે પવિત્ર કળશ અને 'અભિષેકમ' એટલે કે પવિત્ર સ્નાન. આ વિધિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર જળને મંદિરના શિખર, કળશ અને મૂર્તિઓ પર અર્પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે દક્ષિણ ભારતના મંદિરોમાં દર 10 થી 12 વર્ષના અંતરાલે આ વિધિ કરવાની પરંપરા છે, પરંતુ સોમનાથના ઈતિહાસમાં આ પ્રકારનો ભવ્ય કુંભાભિષેક પ્રથમવાર યોજાયો હતો.

આધ્યાત્મિક ઉર્જાનું પુનર્જીવન

ધાર્મિક માન્યતા અનુસાર, કુંભાભિષેક એ મંદિરની આધ્યાત્મિક ઉર્જા અને પવિત્રતાને પુનર્જીવિત કરવાની પ્રક્રિયા છે. જ્યારે નવું મંદિર બને ત્યારે 'નૂતન કુંભાભિષેક' દ્વારા દેવતાઓની શક્તિને મૂર્તિમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. સમય જતાં આ ઉર્જાને જાગૃત રાખવા માટે સમયાંતરે અભિષેક અનિવાર્ય માનવામાં આવે છે.

11 તીર્થોના જળથી શિખર સ્નાન

આ વિશેષ વિધિ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. દેશના 11 મુખ્ય તીર્થોમાંથી લાવવામાં આવેલા જળથી પૂજારીઓ દ્વારા મંદિરના ગગનચુંબી શિખરને સ્નાન કરાવવામાં આવશે. શાસ્ત્રોક્ત મત મુજબ, જ્યારે શિખર પર જળ ચઢાવવામાં આવે છે, ત્યારે તે બ્રહ્માંડની ઉર્જાને આકર્ષીને ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ સુધી પહોંચાડે છે, જે ભક્તો માટે આશીર્વાદ સમાન બની રહે છે.