સૌરાષ્ટ્રમાં મેઘમહેર: ગીર સોમનાથના કોડિનારમાં સૌથી વધુ વરસાદ, ભાવનગર અને અમરેલી પંથકમાં વરસાદી માહોલ

સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન સારો વરસાદ નોંધાયો. ગીર સોમનાથના કોડિનારમાં સૌથી વધુ 1.30 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ સહિત અનેક તાલુકાઓમાં પણ મેઘમહેર જોવા મળી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 08 Jul 2026 11:51 AM (IST)Updated: Wed, 08 Jul 2026 11:51 AM (IST)
saurashtra-rain-gir-somnath-kodinar-highest-rainfall-bhavnagar-amreli-weather-update

Saurashtra Rain: સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું છે. ખાસ કરીને ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં નોંધપાત્ર વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાવણી બાદ ઉપર વરસાદ થતા ખેડૂત પણ હરખમાં છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ, સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાવણીના પ્રથમ રાઉન્ડમાં તો એટલો ભારે વરસાદ થયો હતો કે વાવણી માટે ખેતરમાં પણ જવા માટે 2-3 દિવસ લાગ્યા હતા.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

ગીર સોમનાથ જિલ્લો:

જિલ્લામાં સૌથી વધુ વરસાદ કોડિનારમાં 1.30 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત સુત્રાપાડામાં 0.67 ઇંચ, ગીર ગઢડામાં 0.59 ઇંચ, ઉનામાં 0.47 ઇંચ, પાટણ-વેરાવળમાં 0.35 ઇંચ અને તાલાલામાં 0.28 ઇંચ વરસાદ પડ્યો છે.

ભાવનગર જિલ્લો:

ભાવનગર જિલ્લામાં મહુવામાં 1.26 ઇંચ, ગારીયાધારમાં 1.06 ઇંચ અને પાલીતાણામાં 0.91 ઇંચ વરસાદ નોંધાયો છે. જેસરમાં 0.83 ઇંચ, શિહોરમાં 0.75 ઇંચ, તળાજામાં 0.67 ઇંચ, ભાવનગર શહેરમાં 0.43 ઇંચ, ઉમરાળામાં 0.43 ઇંચ અને વલ્લભીપુરમાં 0.39 ઇંચ વરસાદ થયો છે.

અમરેલી જિલ્લો:

જાફરાબાદમાં 0.94 ઇંચ અને રાજુલામાં 0.91 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખાંભામાં 0.51 ઇંચ, સાવરકુંડલામાં 0.43 ઇંચ, લીલીયામાં 0.28 ઇંચ, અમરેલી શહેરમાં 0.24 ઇંચ અને બાબરામાં 0.16 ઇંચ વરસાદ પડ્યો છે. બગસરા અને ધારી તાલુકામાં પણ 0.12 ઇંચ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢ જિલ્લો:

જૂનાગઢ શહેર અને તાલુકામાં 0.39 ઇંચ વરસાદ નોંધાયો છે. મેંદરડામાં 0.35 ઇંચ, વંથલીમાં 0.31 ઇંચ, કેશોદમાં 0.28 ઇંચ અને માળિયા હાટીનામાં 0.20 ઇંચ વરસાદ થયો છે. માણાવદર અને માંગરોળમાં 0.04 ઇંચ વરસાદ પડ્યો છે.

રાજકોટ જિલ્લો:

જામકંડોરણામાં 0.39 ઇંચ અને ધોરાજીમાં 0.28 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં 0.16 ઇંચ, જ્યારે કોટડા સાંગાણી અને જેતપુરમાં 0.08 ઇંચ વરસાદ પડ્યો છે.

અન્ય જિલ્લાઓ:

બોટાદ: રાણપુરમાં 0.63 ઇંચ, બરવાળા અને બોટાદમાં 0.12 ઇંચ તેમજ ગઢડામાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરેન્દ્રનગર: દસાડામાં 0.35 ઇંચ, લીંબડીમાં 0.20 ઇંચ, લખતર અને મૂળીમાં 0.16 ઇંચ તેમજ વઢવાણ અને ચુડામાં 0.08 ઇંચ વરસાદ પડ્યો છે.

મોરબી: વાંકાનેર તાલુકામાં 0.16 ઇંચ વરસાદ નોંધાયો છે.