PM Modi Somnath Speech: ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આજે સોમનાથ 'અમૃતમય' બન્યું હતું. વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ સોમનાથ ખાતે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ-2026' માં સહભાગી થઈને દેશવાસીઓને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે તેમણે સોમનાથ વિરાસતની સ્મારક ટપાલ ટિકિટ અને રૂ. 75ના મૂલ્યના ખાસ સિક્કાનું અનાવરણ કર્યું હતું.
સોમનાથ: સ્વતંત્ર ભારતની ચેતનાનો ઉદઘોષ
સદભાવના મેદાન ખાતે ઉમટેલી વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવુક સ્વરે જણાવ્યું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નથી, પરંતુ તે આગામી 1000 વર્ષ માટે ભારતની પ્રેરણાનો સ્ત્રોત છે. તેમણે વર્ષ 1951ની 11મી મેને યાદ કરતા કહ્યું કે, "1947માં દેશ આઝાદ થયો પરંતુ 1951માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. સરદાર પટેલે વિખરાયેલા રજવાડાઓને એક કરી આધુનિક ભારત બનાવ્યું અને સોમનાથનું પુનઃનિર્માણ કરીને દુનિયાને બતાવ્યું કે ભારત હવે તેના પ્રાચીન ગૌરવને પુનઃ પ્રાપ્ત કરવાના માર્ગે નીકળી પડ્યું છે."
શિવ સાથે શક્તિની આરાધના: પોખરણ અને ચંદ્રયાનનો ઉલ્લેખ
11 મેના દિવસનું મહત્વ સમજાવતા વડાપ્રધાને પોખરણ પરમાણુ પરીક્ષણને યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે, "11 મે 1998ના રોજ ભારતે 'ઓપરેશન શક્તિ' દ્વારા દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. શિવ સાથે શક્તિની આરાધના આપણી પરંપરા છે. તેથી જ આપણે ચંદ્રયાનના લેન્ડિંગ પોઈન્ટને પણ 'શિવશક્તિ પોઈન્ટ' નામ આપ્યું છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે સોમનાથનો અર્થ જ 'અમૃત' છે, જેને કોઈ નષ્ટ કરી શકે નહીં. જેટલી વાર આક્રમણકારોએ તેને તોડવાનો પ્રયાસ કર્યો, તેટલી વાર તે વધુ દિવ્યતા સાથે ઊભું થયું છે.
તીર્થોનો વિકાસ: આર્થિક પ્રગતિનું એન્જિન
વડાપ્રધાને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર પર ભાર મુકતા કહ્યું કે, છેલ્લા એક દાયકાથી કાશી વિશ્વનાથ, કેદારનાથ, અયોધ્યા અને સોમનાથ જેવા તીર્થસ્થાનોના કાયાકલ્પથી માત્ર આસ્થા જ નથી વધી, પરંતુ દેશની આર્થિક પ્રગતિ પણ થઈ રહી છે. પ્રવાસન અને તીર્થસ્થાનોના વિકાસથી લાખો લોકોની રોજગારી જોડાયેલી છે. તેમણે નવી પેઢીને આ મહાન સાંસ્કૃતિક વારસો સોંપવાની અને તેને જાળવવાની જવાબદારી લેવા આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન: સરદારના સંકલ્પની પૂર્તિ
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સોમનાથ મંદિર વિધ્વંસમાંથી પુનઃનિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધારનું જીવંત ઉદાહરણ છે. તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વની સરાહના કરતા કહ્યું કે, વડાપ્રધાને દેશવાસીઓમાં સનાતન સંસ્કૃતિના પુનઃજાગરણનો ભાવ પ્રબળ બનાવ્યો છે. વર્ષ 2001માં નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે સોમનાથનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવ્યો હતો અને આજે તેમના જ નેતૃત્વમાં આ અમૃત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તે ગૌરવની વાત છે.
ઐતિહાસિક વિભૂતિઓનું સ્મરણ
વડાપ્રધાને તેમના સંબોધનમાં સોમનાથની રક્ષા અને નિર્માણમાં યોગદાન આપનાર ભીમદેવ પ્રથમ, રાજા ભોજ, અહલ્યાબાઈ હોલકર, કનૈયાલાલ મુનશી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને જામ સાહેબને યાદ કર્યા હતા. તેમજ વીર હમીરજી ગોહિલ અને વેગડા ભીલ જેવા શૂરવીરોની શહાદતને નમન કર્યા હતા.
