Parshottam Solanki Una Speech: ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે આયોજિત કોળી સમાજના સ્નેહમિલન અને સામાજિક કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીનો એક અલગ જ મિજાજ જોવા મળ્યો હતો. લાંબા અંતરાલ બાદ જાહેર મંચ પરથી સમાજને સંબોધતા સોલંકીએ કોઈનું નામ લીધા વિના જ સત્તાના નશામાં સમાજની અવગણના કરનારા નેતાઓ પર સીધું નિશાન તાક્યું હતું. તેમના આ તેવરના કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
"સિંહ પોતાની મસ્તીમાં જ ચાલતો હોય" — મંચ પરથી સોલંકીનો હુંકાર
ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા પરસોત્તમ સોલંકીએ પોતાના જૂના અને આક્રમક અંદાજમાં વિરોધીઓને આડકતરો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે- સિંહનો છોકરો હંમેશા સિંહ જ રહેવાનો છે. સિંહ જ્યારે પોતાની મસ્તીમાં નીકળે ત્યારે આસપાસ ઘણા કૂતરા ભસતા કે રગડતા હોય છે, પણ સિંહને પોતાની તાકાતનો અંદાજ હોય છે.
પોતાની નાદુરસ્ત તબિયતનો ઉલ્લેખ કરતા તેમણે ભાવુક સ્વરે ઉમેર્યું કે, આજે 64 વર્ષની ઉંમરે પગમાં તકલીફ હોવા છતાં તેઓ સમાજના કામ માટે સતત દોડતા રહે છે. જ્યાં સુધી શરીરમાં શ્વાસ ચાલશે ત્યાં સુધી ગરીબ પરિવારો અને સમાજની દીકરીઓના રક્ષણ માટે તેઓ અડીખમ ઊભા રહેશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.
મુંબઈના સંઘર્ષ અને 'ભાઈગીરી'ના દિવસો યાદ કર્યા
પોતાની રાજકીય સફર પાછળના કપરા સંઘર્ષને વાગોળતા મંત્રીએ મંચ પરથી રોકડું પરખાવ્યું હતું કે રાજકારણ કરવું એ કોઈ રમત વાત નથી. તેમણે જણાવ્યું કે- અમે મૂળ મુંબઈના રહેવાસી છીએ અને ત્યાંના માહોલમાં ભાઈગીરી પણ કરી છે. જીવનમાં ગોળીઓ ઝીલી છે, જેલવાસ ભોગવ્યો છે અને પોલીસનો માર પણ સહન કર્યો છે. મુંબઈમાં આ બધું જોયા પછી અહીં આવીને સમાજ સેવા કરવી અને રાજકારણમાં ટકી રહેવું એ ખાવાના ખેલ નથી. અમે જીવના જોખમે લડત આપીને સમાજને કંઈક આપવાનો પ્રયાસ કર્યો છે.
સત્તા મળ્યા બાદ સમાજને ભૂલનારા નેતાઓને નુગરા ગણાવ્યા
સમાજના જ કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરતા સોલંકીએ આકરા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમના મતે, ઘણા નેતાઓ પદ અને સત્તા મળ્યા બાદ માત્ર પૈસા કમાવાની લાલચમાં પડી જાય છે અને જે સમાજે તેમને મોટા કર્યા તેને જ ભૂલી જાય છે. આવા સ્વાર્થી આગેવાનોને 'નુગરા' ગણાવતા તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું કે, રાજકારણ ખૂબ જ ગંદુ છે; અહીં એકવાર ઉપરથી નીચે પટકાયા પછી કોઈ સામે જોતું પણ નથી કે ભાવ પણ પૂછતું નથી.
દરિયાકાંઠે 50 ટકા વસ્તી છતાં સમાજની ઉપેક્ષા કેમ?
રાજકીય પ્રતિનિધિત્વ મુદ્દે ગંભીર સવાલ ઉઠાવતા પરષોત્તમ સોલંકીએ દરિયાકાંઠાના પટ્ટાના સમીકરણો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે કચ્છના મુન્દ્રાથી શરૂ કરીને પોરબંદર સુધીના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં કોળી સમાજની 50 ટકાથી વધુ વસ્તી છે. આટલું મોટું સંખ્યાબળ હોવા છતાં આજે સમાજ ક્યાં ઊભો છે અને શા માટે સમાજનો માત્ર રાજકીય હાથો તરીકે ઉપયોગ કરવામાં આવે છે, તે દરેકે વિચારવાની જરૂર છે.
27 વર્ષની મંત્રીપદની કારકિર્દીમાં ક્યારેય ભ્રષ્ટાચાર નથી કર્યો
પોતાની સ્વચ્છ છબી અને 27 વર્ષના લાંબા મંત્રીકાળનો હિસાબ આપતા સોલંકીએ સ્પષ્ટતા કરી કે- મને મંત્રી મંડળમાં 27 વર્ષ થઈ ગયા છે, છતાં આજદિન સુધી ક્યારેય સત્તાનો દુરુપયોગ કે અહંકાર નથી કર્યો. અમારે કોઈની જમીન કે મિલકત પચાવી પાડવી નથી કે કોઈનો એક રૂપિયો પણ ખાવો નથી. ઈશ્વરની દયાથી અમારે રાજકારણમાંથી કમાણી કરવાની કોઈ જરૂર નથી. અંતમાં તેમણે મક્કમતાથી કહ્યું કે જો સમાજના હિત માટે રાજકારણ છોડવાનો વારો આવશે તો તેમાં પણ તેઓ પાછીપાની નહીં કરે, પરંતુ સમાજ સાથે અન્યાય તો ક્યારેય સાંખી લેશે નહીં.
