કાળમુખી કારે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી: ઉનાના નાઠેજ પાસે અકસ્માતમાં ખેતમજૂરનું કરુણ મોત

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે અકસ્માત સર્જનાર કારચાલકનું નામ ગણેશ કુમાર છે, જે મૂળ કર્ણાટકના સાઉથ બેંગ્લોરનો વતની છે અને હાલ મુંબઈમાં કેસ્ટ્રોલ લ્યુબ્રીકેટસ કંપનીમાં નોકરી કરે છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 31 Dec 2025 08:17 AM (IST)Updated: Wed 31 Dec 2025 08:17 AM (IST)
one-dead-in-accident-on-una-bhavnagar-highway-665047

Gir Somnath Accident: ઉના-ભાવનગર હાઈવે પર આજે બપોરે એક રુંવાડા ઉભા કરી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. નાઠેજ ગામ પાસે પૂરપાટ ઝડપે આવતી મહારાષ્ટ્ર પાસિંગની કારે એક બાઈક અને બે ટ્રેક્ટરને અડફેટે લેતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 46 વર્ષીય બાઈક સવાર ખેતમજૂરનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે.

CCTVમાં કેદ થઈ કારચાલકની ભયાનક બેદરકારી

અકસ્માતના સીસીટીવી (CCTV) ફૂટેજમાં કારચાલકની ઘોર બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ફૂટેજમાં જોવા મળે છે કે કાર એટલી પૂરપાટ ઝડપે હતી કે બાઈકને ટક્કર માર્યા બાદ ચાલક ફંગોળાઈને નીચે પડી ગયા હતા, પરંતુ તેમની બાઈક ચાલક વગર જ રસ્તા પર આપમેળે આગળ જતી દેખાઈ હતી. કારની ગતિ એટલી પ્રચંડ હતી કે તેણે એક પછી એક ત્રણ વાહનોને નિશાન બનાવ્યા હતા.

કેવી રીતે સર્જાયો ટ્રિપલ અકસ્માત?

મહારાષ્ટ્ર પાસિંગની કાર (નંબર MH 47 AB 8268) ઉનાથી ભાવનગર તરફ જઈ રહી હતી. નાઠેજ ગામ પાસે આવેલી રજવાડું હોટલ અને હનુમાન મંદિર નજીક કારચાલક ગણેશ કુમારે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કારે સૌપ્રથમ એક ચાલતા ટ્રેક્ટરને ટક્કર મારી, જેના કારણે ટ્રેક્ટરનું આગળનું ટાયર નીકળીને અલગ થઈ ગયું હતું. ત્યારબાદ કારે બાઈક સવાર ધીરુભાઈ પરમારને જોરદાર ટક્કર મારી, જેથી તેઓ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા હતા. આટલું જ નહીં, અકસ્માત સર્જ્યા બાદ પણ કાર ઉભી રહી નહોતી અને હોટલ પાસે ઉભેલા અન્ય એક ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

પરિવારનો આધાર છીનવાયો, ગામમાં માતમ

અકસ્માતનો ભોગ બનનાર ધીરુભાઈ માંડણભાઈ પરમાર (ઉ.વ. 46), ગીર ગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામના વતની હતા. તેઓ ખેતમજૂરી કરીને પોતાના બે દીકરીઓ, એક દીકરો અને પત્નીનું ગુજરાન ચલાવતા હતા. આજે તેઓ ઉનામાં ઘરવખરીની ખરીદી કરવા આવ્યા હતા અને પરત ઘરે જતી વખતે જ તેમને કાળનો પંજો ત્રાટક્યો હતો. પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.

મુંબઈના કારચાલકની અટકાયત

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે અકસ્માત સર્જનાર કારચાલકનું નામ ગણેશ કુમાર છે, જે મૂળ કર્ણાટકના સાઉથ બેંગ્લોરનો વતની છે અને હાલ મુંબઈમાં કેસ્ટ્રોલ લ્યુબ્રીકેટસ કંપનીમાં નોકરી કરે છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કારચાલક ગણેશ કુમારની અટકાયત કરી છે અને તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.