Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લામાં બે સગીરાઓનું અપહરણ કરીને ધર્મપરિવર્તન કરાવ્યાનો સનસનાટીભર્યો અને ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોડીનારની બે સગીરાઓને મહેસાણા ખાતે લઈ જઈને આરોપીઓએ સગીરાનું ધર્મપરિવર્તન કરાવ્યાનો આક્ષેપ છે. તેમજ એક સગીરાના લગ્ન 16 વર્ષીય વિધર્મી કિશોર સાથે કરાવવાનો પ્રયાસ કરાયો હતો. જે મામલે કોડીનાર પોલીસે મૌલવી સહિત 4 લોકોની અટકાયત કરી છે.
સગીરાઓના ધર્માંતરણનો મામલો
આ પણ વાંચો
મળતી માહિતી પ્રમાણે, કોડીનારથી બે સગીરાઓ ગુમ થઈ ગઈ હતી. જે અંગે કોડીનાર પોલીસ મથકમાં પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. સગીરાઓની ભાળ મેળવવા માટે પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસની મદદ લીધી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ લોકેશન ટ્રેસ કરતાં બંને સગીરાઓ મહેસાણાના ઊઁઝા તાલુકાના ઉનાવા ગામ નજીક હોવાનું જાણવા મળ્યું હતું.
બંને સગીરાઓને સહીસલામત પાછી મેળવવા માટે કોડીનાર પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઈને દાતારબાપુ દરગાહમાંથી બંને સગીરાઓને બુરખા પહેરેલી સ્થિતિમાં મેળવી હતી. ત્યારબાદ મહિલા પોલીસ કર્મીએ કાઉન્સેલિંગ કરીને બંને સગીરાઓને સહીસલાતમ કોડીનાર ખાતે પરત લવાઈ હતી.
સગીરાનું નામ બદલ્યાનો આક્ષેપ
કોડીનાર પોલીસનું કાઉન્સેલિંગ અને સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં ચોંકાવનારા ખુલાસો થયો. જેમાં એક સગીરાએ જણાવ્યું કે, તેની એક બહેનપણીનું ધર્મપરિવર્તન કરીને તેનું નામ બદલી દેવાયું. સગીરાઓ કોડીનારથી વેરાવળ અને ત્યાંથી ટ્રેન મારફતે ગાંધીનગર થઈને ઉનાવા પહોંચી. જ્યારે સગીરાઓનું લોકેશન ટ્રેસ ન કરી શકે તે માટે ધોરાજીના મુસ્લિમ યુવકે બંને સગીરાના ફોનમાંથી સીમ તોડી નાખ્યાં હતા.
આરોપીઓ સામે કરાઈ કાર્યવાહી
સગીરાઓની કસ્ટડી મેળવી લીધા બાદ કોડીનાર પોલીસે આ કેસમાં દરગાહના મૌલવી, એક શખ્સ, ધોરાજીના એક યુવક અને એક કિશોર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. તેમજ આ મામલે પોલીસને શંકા છે કે, ધર્માંતરણના આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલ હોઈ શકે જે મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરુ કરી છે.
