PM Modi Roadshow Somnath: પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ પર આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો યોજાયો, ત્યારે ભક્તિ અને ઉત્સાહના આ માહોલમાં એક વિશેષ વ્યક્તિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વડાપ્રધાનના પ્રશંસક અને મનોરંજન જગતમાં 'જુનિયર બચ્ચન' તરીકે જાણીતા ભાવનગરના કલાકાર પિનાકીન ગોહિલ ખાસ વડાપ્રધાનને આવકારવા સોમનાથ પહોંચ્યા હતા. તેમની પાસે રહેલી સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ રોડ-શોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
સોમનાથ મંદિરની પ્રતિકૃતિમાં વિરાસતની ઝલક
પિનાકીન ગોહિલ હેલિપેડથી મંદિર સુધીના રોડ-શો દરમિયાન વડાપ્રધાનના અભિવાદન માટે એક સુંદર અને અર્થપૂર્ણ પ્રતિકૃતિ (મોડેલ) સાથે ઊભા હતા. આ પ્રતિકૃતિ માત્ર મંદિરનું મોડેલ નહોતું, પરંતુ તેમાં ભારતની અસ્મિતા અને ઈતિહાસના વિવિધ પાસાઓને વણી લેવામાં આવ્યા હતા. પ્રતિકૃતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી હીરાબા સાથે દર્શાવવામાં આવ્યા હતા, જે ભાવુક દ્રશ્ય રજૂ કરતું હતું. તેમજ સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની તસવીર અને સોમનાથની રક્ષા કાજે બલિદાન આપનાર વીર હમીરજી ગોહિલની સ્મૃતિને પણ આ પ્રતિકૃતિમાં સ્થાન અપાયું હતું. અને તેમાં 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની ઝલક પણ દર્શાવવામાં આવી હતી, જે દેશની સુરક્ષા અને શક્તિનું પ્રતિક છે.
વડાપ્રધાન દેશનું ગૌરવ વધારી રહ્યા છે: પિનાકીન ગોહિલ
પોતાના અનુભવ વિશે વાત કરતા પિનાકીન ગોહિલે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વના નેતા તરીકે ઉભરી આવ્યા છે અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે. સોમનાથમાં અમૃત પર્વની ઉજવણી નિમિત્તે જે જનમેદની ઉમટી છે, તે વડાપ્રધાન પ્રત્યેના લોકોના અખૂટ પ્રેમનું પ્રતિક છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાને 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્ર સાથે દેશને પ્રગતિના પંથ પર અગ્રેસર કર્યો છે. સોમનાથ મંદિર પર જલાભિષેક અને ધ્વજારોહણ જેવા કાર્યક્રમોથી દરેક શ્રદ્ધાળુ ગદગદિત છે. તેમણે લોકોને અપીલ પણ કરી હતી કે જીવનમાં એકવાર સોમનાથની આ પાવન ભૂમિના દર્શનાર્થે અચૂક આવવું જોઈએ.
રોડ-શોમાં લોકોનો ભારે ઉત્સાહ
ભાવનગરથી ખાસ સોમનાથ પહોંચેલા આ 'જુનિયર બચ્ચને' રોડ-શો દરમિયાન વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. રોડની બંને તરફ ઉભેલા હજારો લોકો માટે પિનાકીન ગોહિલ અને તેમની પ્રતિકૃતિ કુતૂહલ અને પ્રશંસાનો વિષય બન્યા હતા. વડાપ્રધાને પણ લોકોનો આ ઉત્સાહ જોઈને સ્મિત સાથે જનતાનું અભિવાદન ઝીલ્યું હતું.
