Gujarat Success Story: ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામની દીકરીઓએ એક અદ્ભુત મિસાલ કાયમ કરી છે. ઘરની ખરાબ આર્થિક સ્થિતિ અને મર્યાદિત સુવિધાઓ હોવા છતાં દીકરીઓએ મન લગાવીને અભ્યાસ કરીને સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક તરીકે પસંદગી પામીને સમગ્ર સૂત્રાપાડા પંથકમાં લોઢવા ગામનું ગૌરવ વધાર્યું છે.
ખેતી કામ કરતાં મેળવી સફળતાં
આ પણ વાંચો
પ્રાપ્ત અહેવાલ પ્રમાણે, આ આઠ દીકરીઓની સફળતા પાછળ તેમની સખત મહેનત અને સંઘર્ષ છુપાયેલો છે. દિવસ દરમિયાન પિતાને ખેતીકામમાં મદદ કરવી અને રાત્રે જાગીને અભ્યાસ કરવો તે તેમનો નિત્યક્રમ હતો. દીકરીઓને આર્થિક સંકડામણ અને સુવિધાઓનો અભાવ ક્યારેય તેમને નડ્યો નહીં. તેમની વર્ષોની મહેનત આજે રંગ લાવી છે. રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી પ્રાથમિક શિક્ષક ભરતીના પ્રથમ રાઉન્ડમાં તમામ દીકરીઓ પસંદગી પામતાં તેમના પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
આઠ દીકરીઓના નામ
- સેજીબેન લખમણભાઈ વાળા
- મયુરબેન ભાણાભાઈ ભોળા
- પુનીબેન કેસુરભાઈ વાઢેર
- મનિષાબેન કેસુરભાઈ વાઢેર (પુનીબેનની સગી બહેન)
- જ્યોત્સનાબેન પરબતભાઈ વાઢેર
- મિતાબેન રામભાઈ વાઢેર
- જયશ્રીબેન ગોવિંદભાઈ વાઢેર
નારી કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ
હાલ સમગ્ર દેશમાં આદિશક્તિની આરાધનાનો પર્વ નવરાત્રિ ચાલી રહ્યો છે. ત્યારે આ દીકરીઓએ મેળવેલી સરકારી નોકરીની સફળતાને લીધે લોઢવા ગામમાં ખુશી અને હર્ષનો માહોલ છે. આઠ દીકરીઓએ મેળવેલી સફળતા નારી કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. તેની સાથે સાથે ગામના અનેક યુવાન-યુવતીઓ અન્ય સરકારી ભરતીઓ માટે તૈયારી કરી રહ્યા છે. પોલીસ ભરતીમાં પણ સારુ પરિણામ આવે તેવી આશા છે. આ ઉપરાંત, શિક્ષક ભરતીના બીજા રાઉન્ડમાં પણ ગામની અન્ય દીકરીઓની પસંદગી થવાની પ્રબળ શક્યતા છે
