Gir Somnath News: તાલાળામાં હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક કથાકારને ગીતા રબારીના નામના ફેક ફેસબુક આઈડીનો ઉપયોગ કરીને ફસાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં કથાકાર રાકેશ પંડ્યાનું અપહરણ કરી તેમને માર મારવામાં આવ્યો અને તેમની પાસેથી 7000 રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી. એટલું જ નહીં, આરોપીઓએ તેમની પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી. આ ઘટનાને પગલે સમગ્ર ગીરસોમનાથ જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. કથાકાર રાકેશ પંડ્યા દ્વારા સલીમ સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કથાકારે વોટ્સએપ દ્વારા એક મહિલાનો સંપર્ક કર્યો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર, કથાકાર રાકેશ પંડ્યાને આશરે દસથી બાર દિવસ પહેલા વોટ્સએપના માધ્યમથી એક મહિલાએ સંપર્ક કર્યો હતો. આ મહિલા, જેણે પોતાનું નામ ગીતા રબારી જણાવ્યું હતું, તેણે ફેસબુક પર ગીતા રબારી નામનું એક ફેક આઈડી બનાવ્યું હતું. તેણે કથાકાર સાથે ચેટિંગ કરીને અને પ્રેમ સંબંધિત વાતો કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ, મહિલાએ કથાકારને એક સ્થળે મળવા બોલાવ્યા. કથાકાર પોતાની અર્ટિગા ગાડી લઈને ત્યાં પહોંચતા જ અન્ય ત્રણ આરોપીઓએ તેમને પકડી લીધા અને તેમની પોતાની જ અર્ટિગા ગાડીમાં તેમનું અપહરણ કરી લીધું.
અપહરણ બાદ આરોપીઓએ કથાકાર રાકેશ પંડ્યાને મહિલા સાથે ખોટા સંપર્કમાં હોવાનું કહી ડરાવ્યા-ધમકાવ્યા હતા. ત્યારબાદ તેમને ઢીકાપાટુ અને લોખંડના પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. ટોકણના પાઈપથી માર મારી તેમની પાસેથી રહેલા 7000 રૂપિયા લૂંટી લેવામાં આવ્યા. એટલું જ નહીં, આરોપીઓએ કથાકારને વધુ 10 લાખ રૂપિયાની ખંડણી માટે ડરાવ્યા અને માર માર્યો, જેના પરિણામે તેમના પગમાં ફ્રેક્ચર પણ થઈ ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા કથાકારને વેરાવળ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે કથાકાર રાકેશભાઈ સતીશભાઈ પંડ્યાએ તાલાળા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 13/9/2025 ના રોજ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે બીએનએસની કલમ 1152, 352, 351, 309, 117, 140બી, 54 અને જીપીએ 135 મુજબ કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ આરોપીઓમાં એક સગીરાનો પણ સમાવેશ થાય છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને હાલ તાલાલા પીઆઈ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે.
આ હનીટ્રેપની ઘટનાએ સમાજમાં સનસનાટી મચાવી દીધી છે, ખાસ કરીને કથાકાર જેવા સામાજિક વ્યક્તિને નિશાન બનાવવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે. ફેક સોશિયલ મીડિયા આઈડીનો ઉપયોગ કરી લોકોને ફસાવી, અપહરણ કરી, લૂંટ અને ખંડણી માંગવાના આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. આ ઘટના સાયબર ક્રાઈમ અને વ્યક્તિગત સુરક્ષા અંગે જાગૃતિની જરૂરિયાત દર્શાવે છે.
