Gir Somnath:કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાને જાનથી મારી નાંખવાની ધમકી મળી, ભાજપ સાંસદ સહિત 8 સામે પોલીસમાં અરજી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 12 Nov 2023 07:49 PM (IST)Updated: Sun, 12 Nov 2023 07:50 PM (IST)
gir-somnath-news-death-threat-to-congress-mla-vimal-chudasama-by-bjp-mp

Gir Somnath: સોમનાથ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. આ મામલે વિમલ ચુડાસમા દ્વારા ચોરવાડ પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પરિવારના સભ્યો સહિત 8ના નામ આપવામાં આવ્યા છે.

વિમલ ચુડાસમાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, થોડા દિવસ અગાઉ મારી પાસે એક ઓડિયો ક્લિપ આવી હતી. જેમાં જૂનાગઢ લોકસભાના ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાના સબંધી મોહન ચુડાસમા મને બિભત્સ ગાળો ભાંડીને ધમકી આપી રહ્યા હતા. આથી ભવિષ્યમાં મારા તેમજ મારા પરિવાર પર જીવનું જોખમ છે.

ભવિષ્યમાં મને કે મારા પરિવારને કંઈ થશે તો, આ માટે મોહન ચુડાસમા, નયન ચુડાસમા નારણ ચુડાસમા, ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા, હરીશ ચુડાસમા, હીરા ચુડાસમા, ભરત ચુડાસમા અને કેતન ચુડાસમા જવાબદાર રહેશે. આટલું જ નહીં, વિમલ ચુડાસમાએ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી છે.

ડૉ. ચગના આપઘાત કેસમાં પણ સાંસદ રાજેશ ચુડાસમાનું નામ
ગત ફેબ્રુઆરી મહિનામાં વેરાવળના ખ્યાતનામ તબીબ ડૉ. અતુલ ચગે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ડૉ ચગે અંતિમ પગલુ ભરતા પહેલા સ્યૂસાઈડ નોટ લખી હતી, જેમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાનું નામ લખ્યું હતુ. જો કે વેરાવળ પોલીસે ભાજપ સાંસદ વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો ઈનકાર કરી દીધો હતો. આખરે ડૉ. ચગના પુત્રએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જેના કારણે ડૉ. ચગના આપઘાતના 3 મહિના બાદ પોલીસને FIR દાખલ કરવાની ફરજ પડી હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.