Gir Somnath Lioness Attack: ગીર સોમનાથ અને ગીર જંગલ વિસ્તારમાં સિંહોના માનવો પર હુમલાની ઘટના ખૂબ જ વધી રહી છે. જેથી જંગલ વિસ્તાર નજીકના ગામડાઓમાં રહેતા લોકોમાં ડરનો માહોલ રહે છે. સિંહ હુમલાનો હિંસક બનાવ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં બન્યો છે. જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ઘરની બહાર સૂતેલા યુવકને સિંહણે ફાડી ખાધો હતો.
સિંહણે યુવકને ફાડી ખાધો
મળતી માહિતી પ્રમાણે, કોડીનાર તાલુકાના વલાદર ગામમાં ગઈ રાત્રે 30 વર્ષનો યુવાન પ્રતાપભાઈ રાઠોડ તેના ઘરની બહાર સૂતો હતો. રાત્રિના અંધકારમાં એક સિંહણ આવી હતી. તેણે અચાનક સૂતેલા યુવક પર ઘાતકી હુમલો કરીને તેને પોતાની સાથે લઈ હતી. તેમજ તેનો શિકાર કરી લીધો હતો. ત્યારે દિવસ દરમિયાન ઘરમાં યુવક ન દેખાતા પરિવારજનો અને સ્થાનિકોએ યુવકની શોધખોળ શરુ કરી હતી.
યુવક મૃત અવસ્થામાં મળ્યો
શોધખોળ દરમિયાન યુવક મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો, સ્થાનિકોએ તાત્કાલિક આ અંગે વન વિભાગને જાણ કરી હતી. જ્યારે બીજી તરફ યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પાંચ સંતાનોના પિતા એવા યુવકને સિંહણે મોતને ઘાટ ઉતારી દેતાં પરિવાર પર અઁણધારી આફત આવી પડી હતી.
વન વિભાગે પાંજરા ગોઠવ્યા
વન વિભાગે યુવકના પરિવારને 10 લાખની સહાય આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પરિવારજનોએ વધુ ભરણપોષણની માંગ કરી હતી. કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં સિંહણના હુમલામાં યુવકનું મોત થતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. તેમજ વન વિભાગે પણ સિંહણને પકડી લેવા માટે પાંજરા મૂકવાની કામગીરી હાથ ધરી છે. તેમજ સિંહણ માનવભક્ષી છે તે દિશામાં પણ કાર્યવાહી આદરી છે.
