Gir Somnath: વેરાવળ બાયપાસ પાસે બિલ્ડિંગમાં ભીષણ આગ, 40 જેટલી દુકાનો ઝપેટમાં આવતા થયું ભારે નુકસાન

ફાયર કોલ મળતા જ ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ લેવામાં લાગી ગઈ હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 05 Feb 2026 02:02 PM (IST)Updated: Thu, 05 Feb 2026 02:02 PM (IST)
gir-somnath-fire-breaks-out-in-building-near-veraval-bypass-40-shops-damaged
HIGHLIGHTS
  • વેરાવળ શહેરની એક બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ લાગી
  • એપાર્ટમેન્ટમાં અંદાજે 40 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી
  • દુકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ

Veraval fire incident: ગીર સોમનાથ વેરાવળ શહેરના બાયપાસ રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એપાર્ટમેન્ટમાં આવેલી અંદાજે 40 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

કોમર્શિયલ ઈમારતમાં લાગી આગ

મળતી માહિતી મુજબ, બિલ્ડિંગના બહારના ભાગમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બિલ્ડિંગમાં આવેલી તમામ શોપ તેની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ વેરાવળ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી.

naidunia_image

40 જેટલી દુકાનોને ભારે નુકસાન

અંદાજે 40 જેટલી દુકાનો આગની અસર હેઠળ આવી હતી. કેટલીક દુકાનોની અંદર આગ પ્રસરી જતાં ત્યાં રહેલો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બિલ્ડિંગના બહારના ભાગમાં મારેલા દુકાનોના બોર્ડ અને બેનરો સંપૂર્ણપણે બળી ગયા છે. કેટલીક દુકાનોમાં આગ સીધી રીતે પહોંચી ન હતી, પરંતુ ફાયર ફાઇટરો દ્વારા કરવામાં આવેલા પાણીના મારોને કારણે અંદર રહેલો સ્ટોક પલળી જવાથી ભારે નુકસાન થયું છે.

સદનસીબે જાનહાની ન થઈ

સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ફાયર વિભાગની સતર્કતાને કારણે આગને વધુ પ્રસરતી અટકાવી લેવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.