Una Nagarpalika Election: ઉનામાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, ટિકિટ મળતા જ લોકગાયિકા રાજલ બારોટે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી

ઉનાના અનેક કાર્યકરોને આજે મળવાનું થયું છે. મને જનતાનો સારો સાથ-સહકાર મળી રહ્યો છે, જેનાથી ખૂબ ખુશ છું, ભાજપે મારા પર મૂકેલા વિશ્વાસ પર હું જરૂર ખરી ઉતરીશઃ રાજલ બારોટ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 11 Apr 2026 07:34 PM (IST)Updated: Sat, 11 Apr 2026 07:34 PM (IST)
bjp-bets-on-popular-singer-rajal-barot-for-una-nagarpalika-election-2026
HIGHLIGHTS
  • પોતાની ટિકિટની જાહેરાત થતાં રાજલ બારોટે સાસુ-સસરાના આશીર્વાદ લીધા

Una Nagarpalika Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમાં ભાજપ દ્વારા ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકાની ચૂંટણી માટે જાણીતા ગુજરાતી ગાયિકા રાજલ બારોટને ટિકિટ આપી છે.

ઉના નગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો આજે આખરી દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. એવામાં ભાજપ દ્વારા લોકપ્રિયતા અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને રાજલ બારોટને વોર્ડ નંબર 7માંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

આ તકે રાજલ બારોટે જણાવ્યું કે, મને તક આપવા બદલ ભાજપ અને સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનો આભાર માનું છું. પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, ત્યારે તેમના વિશ્વાસ ઉપર ખરી ઉતરીશ. ઉના નગરપાલિકામાં ઉમેદવારી નોંધાવતા મને આનંદ થઈ રહ્યો છે. ઉનાની જનતાનો મને સારો સાથ-સહકાર મળી રહ્યો છે. ઉનાના અનેક કાર્યકરોને આજે મળવાનું થયું છે.મને ખૂબ જ સારું લાગી રહ્યું છે.

પોતાનું નામ જાહેર થતાં જ રાજલ બારોટે પોતાના સાસુ-સસરાના આશીર્વાદ લીધા હતા. જે બાદ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. આ સમયે ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જણાવી દઈએ કે, રાજલ બારોટ ગુજરાતના જાણીતા લોકગાયક દિવંગત મણીરાજ બારોટના પુત્રી છે અને સંગીત તેમને વારસામાં મળ્યું છે. રાજલ બારોટના પતિ અલ્પેશ બાંભણિયા ઉના નગર પાલિકાના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે. આથી પતિના રાજકીય અનુભવનો પણ રાજલ બારોટને લાભ મળશે. હવે રાજલ બારોટ પણ ચૂંટણીના મેદાનમાં ઉતરતા ઉના નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની છે.