Vapi Snake Rescue CPR: વલસાડ જિલ્લાના વાપી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી સાપ રેસ્ક્યૂ કામગીરી સાથે જોડાયેલા સંજય પવારે ગજબ કારનામું કરી બતાવ્યું છે. કેમિકલયુક્ત પાણીમાં પડ્યા બાદ બેભાન સાપને સંજયભાઈએ CPR તેને જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે.
વાપી GIDC વિસ્તારમાં નીકળ્યો 5 ફૂટ લાંબો સાપ
મળતી વિગતો અનુસાર, આ સમગ્ર કિસ્સો વલસાડ જિલ્લાના વાપી GIDCમાં આવેલા ETP પ્લાન્ટ નજીકનો છે. અહીં રાસાયણિક દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી એક 5 ફૂટ લાંબો ધામણ સાપ બેભાન થઈ ગયો હતો. સાપ નીકળ્યો હોવા અંગે સ્થાનિકોએ જાણીતા સ્નેક રેસ્ક્યુઅર સંજય પવારને જાણ કરી હતી.
સર્પ પ્રેમી સંજય પવારે સાપને મોંઢાથી આપ્યું CPR
તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા બાદ સંજય પવારને રસાયણયુક્તપાણીમાં બેભાન અવસ્થામાં પડેલો બિનઝેરી ધામણ સાપ મળી આવ્યો હતો. દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી સાપ બેભાન થઈ ગયો હતો. સંજય પવારે સાપને ફરી જીવંત કરવાના પ્રયાસો શરૂ કર્યા અને તેના શ્વાસને ફરી ચાલુ કરવા માટે પોતાનું મોં સાપના મોં પાસે રાખીને તેને કૃત્રિમ શ્વાસોચ્છવાસ એટલે કે CPR આપવાનું શરૂ કર્યું હતું.
કેમિકલવાળા પાણીના જોખમ વચ્ચે રેસ્ક્યૂ કામગીરી
કેમિકલથી દૂષિત પાણીના સંપર્કમાં આવવાનું સંભવિત જોખમો હોવા છતાં સંજય પવારે પોતાનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. તેમણે સાપને બચાવવા માટે કરેલા પ્રયાસને કારણે સાપનો જીવ બચી ગયો હતો. રેસ્ક્યૂ કરાયેલા ધામણ સાપને હાલમાં તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. સાપ સંપૂર્ણ રીતે સાજો થઈ ગયા પછી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.
રેસ્ક્યુનો થયો વીડિયો વાયરલ, લોકોએ કર્યા વખાણ
બીજી તરફ, કેમિકલયુક્ત પાણીના સંપર્કમાં આવવાથી એલર્જિક રિએક્શન અથવા ઈન્ફેક્શન થવાના જોખમને કારણે સંજય પવારને પણ 24 કલાક માટે તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. આ અસાધારણ રેસ્ક્યુ કામગીરીએ સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચ્યું છે, અને લોકો સાપને બચાવવાના સંજય પવારના પ્રયાસોના વખાણ કરી રહ્યા છે.
