Valsad: પ્રેમીએ આપઘાત કર્યાના બીજા જ દિવસે લીવ ઈનમાં રહેતી પ્રેમિકાનું ભેદી સંજોગોમાં મોત, ઓરંગા નદીના કિનારેથી લાશ મળી

માતા સાથે ઘરે ગયેલી નેહા રાતે જમી પરવારીને સૂઈ ગઈ હતી. સવારે ઉઠ્યા ત્યારે નેહા અને મોપેડ ના દેખાતા પરિવારે શોધખોળ કરી હતી. એવામાં લાશ મળ્યા અંગે પોલીસનો ફોન આવ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 13 Dec 2025 10:05 PM (IST)Updated: Sat, 13 Dec 2025 10:05 PM (IST)
valsad-news-lover-deadbody-found-after-live-in-partner-commit-suicide
HIGHLIGHTS
  • અરુણ અને નેહા એક વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા
  • ગુરુવારે અરુણે ઘર નજીક ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો

Valsad: વલસાડમાં લીવ ઈન રિલેશનશિપમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાના બીજા જ દિવસે તેની પ્રેમિકાનું પણ ભેદી સંજોગો મોત થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં યુવતીની લાશ ઔરંગા નદીના કિનારેથી મળી આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વલસાડના કલવાડા ગામમાં રહેતા અરુણ હળપતિ (28)ને અટગામમાં રહેતી નેહા પટેલ (21) નામની યુવતી સાથે પ્રેમસબંધ બંધાયા હતા. છેલ્લા એક વર્ષથી નેહા અરુણની સાથે તેના કલવાડા સ્થિત ઘરે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી અને મેડિકલ સ્ટોર્સમાં નોકરી કરતી હતી.

ગત ગુરુવારે અરુણે પોતાના ઘરના પાછળના ભાગે આવેલા ઝાડ સાથે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ બાબતે અરુણના પિતાએ વલસાડ રુરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રેમીના ઘરે રહેતી નેહાએ ગુરુવારે જ પોતાની માતા સંગીતાબેનને ફોન કરીને પોતે ઘરે પરત આવવા માંગતી હોવાથી તેને લેવા આવવા માટે જણાવ્યું હતુ. આથી નેહાની માતા આવીને તેને લઈ ગયા હતા. ગઈકાલે રાતે બધા જમીને સૂઈ ગયા હતા.

સવારે ઉઠીને સંગીતાબેને જોતા નેહા અને તેનું મોપેડ ના દેખાતા તેમણે શોધખોળ હાથ ધરી હતી. એવામાં શુક્રવારે ઠક્કરવાડા અને કાંજણ રણછોડ ગામની ઔરંગા નદીના બ્રિજ પાસે એક યુવતીની લાશ મળી હોવાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે લાશની નજીક પડેલા મોપેડના નંબરના આધારે સંગીતાબેનનો સંપર્ક કરતાં તેઓ પરિવારજનોને લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાની દીકરી નેહાની જ લાશ હોવાનું જણાવ્યું હતુ.

આ મામલે નેહાની માતાએ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે નેહાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા પછી જ નેહાના મોતનું સાચુ કારણ સામે આવી શકશે.